અફઘાન રક્ષામંત્રીએ ભારત પરના પાકના આરોપોને મુદે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ આપ્યો
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા તણાવમાં હવે થોડો શમન થયો છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં યુદ્ધવિરામ થયો છે. તણાવ દરમિયાન પાકિસ્તાન તરફથી અફઘાનિસ્તાન પર હુમલાઓ થયા, પરંતુ પાકિસ્તાનના રક્ષામંત્રી તરફથી ભારતને પણ આ વિવાદમાં ઘસીટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના રક્ષામંત્રીએ આરોપ મૂક્યો હતો કે અફઘાન તાલિબાન, ભારત તરફથી પ્રોક્સી યુદ્ધ લડી રહ્યા છે. હવે આ આરોપો પર અફઘાનિસ્તાનના રક્ષામંત્રી મૌલવી મહમ્મદ યાકૂબ મુજાહિદએ આકરી પ્રતિક્રિયા આપી છે.
અફઘાન રક્ષામંત્રીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, “ભારત પર પાકિસ્તાન દ્વારા મૂકવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે નિરાધાર છે. અફઘાનિસ્તાન ક્યારેય પોતાના ભૂખંડનો ઉપયોગ અન્ય દેશો વિરુદ્ધ નહીં થવા દે.” તેમણે ઉમેર્યું કે, “અમે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત સાથે સકારાત્મક સંબંધો જાળવી રહ્યા છીએ અને આપણા રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને તેને મજબૂત બનાવશું.”
તેમણે આગળ કહ્યું કે, “અમે પાકિસ્તાન સાથે પણ સારા પડોશી તરીકેના સંબંધો ઇચ્છીએ છીએ. અમારો ઉદ્દેશ તણાવ ઊભું કરવાનું નહીં, પણ પરસ્પર સહકાર અને વિકાસ છે. પાકિસ્તાનના આરોપો બિનમૂળભૂત, તર્કવિહિન અને અસ્વીકાર્ય છે.”
મુજાહિદે એ પણ યાદ અપાવ્યું કે અફઘાન જનોનો પોતાના દેશની રક્ષા કરવાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. “જો કોઈ દેશ અફઘાનિસ્તાન પર હુમલો કરે છે, તો અમે ધિરજપૂર્વક અને બહાદુરાઈથી પ્રતિસાદ આપીશું.”
મુજાહિદે કહ્યું કે, “પાકિસ્તાન પોતાના રાજકીય વિરોધીઓને આતંકવાદી જાહેર કરે છે. 'આતંકવાદી' શબ્દની આજ સુધી સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી.”
અફઘાન રક્ષામંત્રીએ કહ્યું કે, “અફઘાનિસ્તાની ઇસ્લામિક અમિરાતની નીતિ કોઈપણ અન્ય દેશ, જેમાં પાકિસ્તાન પણ સમાવિષ્ટ છે, વિરુદ્ધ સશસ્ત્ર જૂથોને સમર્થન આપવાની નથી.” તેઓએ કહ્યું કે કાબુલ ઇસ્લામાબાદ સાથે સારા પડોશી સંબંધો અને વેપારના વિસ્તરણના આધારે સંબંધો મજબૂત કરવા ઈચ્છે.