ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં જીકાસ દ્વારા પ્રવેશનો પ્રારંભ
- વિદ્યાર્થીઓ 18મી મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે,
- પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.26 મેથી 28 મે દરમિયાન યોજાશે
- પ્રવેશ માટે ચાર તબક્કામાં કરાશે કાર્યવાહી
અમદાવાદઃ ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન વિવિધ કોલેજોમાં સ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટેની સંપૂર્ણ ફોર્મ ફીલિંગ પ્રક્રિયાનો જીકાસ દ્વારા આરંભ થયો છે અને 18 મે સુધી https://gcas.gujgov.edu.in વેબસાઇટ પર રજિસ્ટ્રેશન રાઉન્ડ ચાલશે. જીકાસ પોર્ટલના મારફતે કોઈ પણ પ્રકારની ટેકનિકલ સમસ્યા હોય તો જીકાસ હેલ્પ લાઈન 79- 22880080 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે. વિદ્યાર્થીઓ પ્રવેશ નોંધણી કરાવે ત્યારે ક્વિક રજિસ્ટ્રેશન કરાવવું, રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિ., કોલેજ, પ્રોગ્રામ અને મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે. ઓનલાઇન અરજી ચેક કરીને જીકાસ પોર્ટલ પર સબમીટ કરવાની રહેશે.
ગુજરાતમાં 15 સરકારી યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2025-26થી જીકાસ પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા માટે ઓનલાઈન અરજીમાં સુગમતા રહે , સાઈબર કાફેમાં નાણાં અને સમયનો વ્યય ના કરવો પડે તે માટે જીકાસ પોર્ટલ દ્વારા ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર અને વેરિફિકેશન સેન્ટર કાર્યરત કરાયા છે. હાલમાં આશરે 2100થી વધુ સેન્ટર્સ હાલમાં કાર્યરત છે. તા.9 મેથી 20 મે દરમિયાન વેરિફિકેશન રાઉન્ડ-1 રહેશે. આ 12 દિવસ દરમિયાન જીકાસ પોર્ટલ પર સબમીટ કરેલી ઓનલાઇન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવુ પડશે. 21 મેથી 24 મે સુધી ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે. જ્યારે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.26 મેથી 28 મે દરમિયાન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓએ પોર્ટલ પર તેના ડેશ બોર્ડ પર પ્રવેશની ઓફર ચકાસવી. ડેશબોર્ડ પર મળેલી તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિ., કોલેજ, પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ઓફર પોર્ટ પરથી ઓટીપીથી કન્ફર્મ કરવી. ઓફર લેટરની પ્રિન્ટ લઇ પ્રવેશ માટે સંબંધિત યુનિ. કે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટીંગ કરવાનું રહેશે.
ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી અને તેની સંલગ્ન 2621 કોલેજો, માટે 349 કોર્સ/પ્રોગ્રામમાં જકાસ દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તા.26 મેથી 28 મે, બીજો રાઉન્ડ તા.30 મેથી 31 મે, ત્રીજો રાઉન્ડ તા.3 જૂનથી 4 જૂન ચોથો રાઉન્ડ તા.6 જૂનથી 9 જૂન દરમિયાન યોજાશે.