For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 105 ખાનગી શાળાઓના સંચાલકોએ માંગ્યો ફી વધારો

05:24 PM Dec 09, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં 105 ખાનગી શાળાઓના સંચાલકોએ માંગ્યો ફી વધારો
Advertisement
  • ખાનગી શાળાના સંચાલકોએ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરી
  • અમદાવાદ શહેરી વિસ્તારની 75 અને ગ્રામ્યની 30 શાળાઓએ માંગ્યો ફી વધારો
  • DEO કચેરી ફી વધારાની દરખાસ્તના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ FRCને મોકલશે

અમદાવાદઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારની કુલ 105 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ આગામી ત્રણ વર્ષ માટે ફી વધારાની માંગણી સાથે ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. ખાનગી શાળાઓને ત્રણ વર્ષની ફી મંજૂર કરાવવા માટે દરખાસ્ત કરવાની સમય મર્યાદા  ગત 30મી નવેમ્બરના રોજ પૂર્ણ થઈ ગઈ છે. શહેર અને ગ્રામ્યની જિલ્લા શિક્ષાણાધિકારી કચેરી દ્વારા સંચાલકો તરફથી મળેલી દરખાસ્તો અને હિસાબ-કિતાબની ચકાસણી કરીને ફી રેગ્યુલેટરી કમિટીને મોકલી આપશે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ ફી નિર્ધારણ કાયદા હેઠળ, જે શાળાઓ સરકારે નક્કી કરેલા ફીના સ્લેબ કરતાં વધુ ફી વસૂલવા માંગતી હોય, તેમણે એફઆરસી સમક્ષ દરખાસ્ત કરવી ફરજિયાત છે. આ પ્રક્રિયામાં એરઆરસી દ્વારા આગામી ત્રણ વર્ષ, એટલે કે વર્ષ-2026-27, વર્ષ-2027-28 અને વર્ષ-2028-29 માટે શાળાઓનું ફી માળખું નક્કી કરવામાં આવશે. શહેર-જિલ્લાની 30 અને શહેર ડીઈઓ (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરી હેઠળની 75 જેટલી ખાનગી સ્કૂલોએ ફી વધારા માટે દરખાસ્તો રજૂ કરી છે. મૂળરૂપે દરખાસ્ત કરવાની મુદત 31 ઓક્ટોબરના રોજ પૂર્ણ થતી હતી, પરંતુ કેટલીક શાળાઓની બાકી રહેલી દરખાસ્તો અને દિવાળી વેકેશનના કારણે મુદતમાં એક મહિનાનો વધારો આપીને 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. નવેમ્બરના અંત સુધીમાં 105 ખાનગી શાળાઓએ ફી વધારા માટેની દરખાસ્ત મોકલી આપી છે. દરખાસ્ત કરવાની મુદત 30 નવેમ્બરના રોજ પૂર્ણ થયા બાદ હવે જે શાળાઓ બાકી રહી ગઈ છે તેમની દરખાસ્ત સ્વીકારવી કે કેમ તે અંગે કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર થયો નથી. જોકે, ગત વર્ષે વિલંબ કરનારી શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ જોતાં, મુદત બાદ દરખાસ્ત કરનારી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી પણ થઈ શકે છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા મળેલી દરખાસ્તોના તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ તેને ઝોનલ એફઆરસી સમક્ષ મોકલવામાં આવશે. એફઆરસી દ્વારા શાળાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોનો અભ્યાસ કરીને સૌપ્રથમ 'પ્રોવિઝનલ ફી' (અસ્થાયી ફી) જાહેર કરવામાં આવશે. જો કોઈ શાળાને આ પ્રોવિઝનલ ઓર્ડર સામે વાંધો હોય, તો તે અરજી કરી શકે છે. ત્યારબાદ એફઆરસી દ્વારા 'ફાઇનલ ફી'નો ઓર્ડર જાહેર કરવામાં આવે છે. કાયદામાં એવી પણ જોગવાઈ છે કે જો શાળાને ફાઇનલ ફીના ઓર્ડર સામે પણ વાંધો હોય, તો તે રિવિઝન કમિટી (પુનર્વિચારણા સમિતિ) સમક્ષ અપીલ કરી શકે છે.

Advertisement

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ફી નિર્ધારણ કાયદા હેઠળ, નિયત ફીના સ્લેબ કરતાં ઓછી ફી વસૂલનારી શાળાઓએ ફી વધારાની દરખાસ્ત કરવાને બદલે દર વર્ષે માત્ર એફિડેવિટ (સોગંદનામું) જ કરવાનું હોય છે. કુલ ખાનગી શાળાઓમાંથી 90 ટકાથી વધુ શાળાઓ માત્ર એફિડેવિટ જ કરતી હોવાથી, આ પ્રક્રિયા ચાલુ વર્ષથી ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે.

Advertisement
Tags :
Advertisement