ભાવનગરમાં દિવ્યાંગજનો માટે ADIP શિબિરનું આયોજન
ભાવનગરઃ દિવ્યાંગજનો માટે ADIP (એડ્સ એન્ડ એપ્લાયન્સીસની ખરીદી/ફીટીંગ માટે દિવ્યાંગજનોને સહાય) યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં મૂલ્યાંકન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047 સુધીમાં "વિકસિત ભારત" માટેના વિઝનને સાકાર કરવા માટે અનુરૂપ છે. જે ખાતરી આપે છે કે દરેક દિવ્યાંગજનોને સમાજમાં યોગદાન આપવાની તક મળે છે.
સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી ADIP યોજના હેઠળ દિવ્યાંગજનોને મૂલ્યાંકન કર્યા પછી જરૂરી સહાયક ઉપકરણો નિઃશુલ્ક આપવામાં આવે છે. તા. 5 ડિસેમ્બરથી તા. 18 ડિસેમ્બર સુધી ચાલનારી આ મૂલ્યાંકન શિબિરનું આયોજન ઉજ્જૈનની ALIMCOના સહયોગથી કરવામાં આવ્યું છે. આ શિબિરની વ્યાપક જાગૃતિ દરેક દિવ્યાંગજનો સુધી પહોંચે તે માટે વધુમાં વધુ પ્રયાસ કરવામાં આવ્યા છે.
ભાવનગરના સંસદસભ્ય શ્રીમતી નિમુબેન બાંભણિયાએ આ પહેલમાં વિશેષ રસ લીધો છે. તેમણે દિવ્યાંગજન માટે કામ કરતી વિવિધ NGOને એકત્ર કરી અને તમામ જનપ્રતિનિધિઓને જાગરૂત કર્યાં છે.
જિલ્લા વહીવટીતંત્રે પણ લાભાર્થીઓને ગૌરવપૂર્ણ અને આરામદાયક અનુભવની બાંયધરી આપવા માટે વિવિધ વ્યવસ્થાઓ સાથે સરળ અને અડચણ મુક્ત સેવા વિતરણની ખાતરી આપી છે. જે માનનીય પ્રધાનમંત્રીનાં વિશ્વાસને અનુરૂપ છે કે, દરેક વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ ગૌરવ સાથે મળવો જોઈએ.
અત્યાર સુધીમાં ભાવનગર શહેર, ભાવનગર ગ્રામ્ય, ઘોઘા, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા અને તળાજામાં મૂલ્યાંકન શિબિર સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. આ શિબિર માટે લાભાર્થીઓ અને NGO તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 5 ડિસેમ્બર 2024ના રોજ શિબિર શરૂ થઈ છે. ત્યારથી અંદાજે 1,500 લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. ભાવનગરનાં મહુવા, જેસર, ગારિયાધાર અને પાલિતાણા તાલુકા માટે વધારે શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પહેલ દિવ્યાંગજનને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું છે, જે તેમને હરવા ફરવામાં સ્વતંત્રતા આપતા સાધનો પૂરા પાડે છે જેમ કે બેટરી સંચાલિત ટ્રાઈસિકલ, વ્હીલચેર, વોકર્સ જેવા સહાયક ઉપકરણો પ્રાપ્ત થશે, જે તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરશે.