મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો
અમદાવાદ : ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર જનરેટર, અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA) એનાયત થયો છે, એમ કંપનીએ આજે જણાવ્યું હતું .
મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે તેની સતત વધતી જતી વીજળી માંગને પહોંચી વળવામાં આ પ્રકલ્પ મદદરુપ થશે. અદાણી પાવર લિ. મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા પ્લાન્ટ અને સંબંધિત માળખાકીય સુવિધાઓ માટે રુ.૧૦,૫૦૦ કરોડનું રોકાણ કરશે.
તીવ્ર સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયામાં સૌથી ઓછી પ્રતિ KWh દીઠ રૂ. ૫.૮૩૮ અંતિમ ટેરિફની બોલી લગાવનાર કંપનીઓમાંની એક તરીકે અદાણી પાવર લિ. ઉભરી આવી હતી. આ કરારના ભાગ રૂપે કંપની રાજ્યમાં ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન અને ઓપરેટ (DBFOO) મોડેલ આધારિત ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર એકમમાંથી મધ્ય પ્રદેશના ડિસ્કોમને વીજળી પૂરી પાડશે. આ એકમ નિર્ધારીત તારીખથી ૫૪ મહિનામાં કાર્યરત થઈ જશે.
અદાણી પાવરના મુખ્ય કારોબારી અધિકારી શ્રી એસ.બી. ખ્યાલિયાએ જણાવ્યું હતું કે ઝડપી આર્થિક વિકાસમાં મહત્વના એવા ખાસ કરીને બેઝ લોડ પાવરને કારણે ભારતની વીજળીની સતત વધતી માંગને પહોંચી વળવા માટે મજબૂત ઊર્જા માળખામાં રોકાણ કરવું અતિ આવશ્યક બન્યું છે. તેમણે કહ્યું હતું કે અદાણી પાવર ક્ષમતા વિસ્તરણને અનુરુપ અદ્યતન ટેકનોલોજી અપનાવીને ભારતના ઊર્જા ભવિષ્યને ટકાઉ રીતે સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે. અનુપપુર પ્લાન્ટ આવાસો અને વ્યવસાયો માટે વિશ્વસનીય, સસ્તી અને સ્પર્ધાત્મક દરે વીજળી સુનિશ્ચિત કરી ભારત અને મધ્યપ્રદેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા સાથે રાજ્યની વિકાસની ગતીવિધીઓને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ભારત સરકારની પાવર પોલિસી હેઠળ પાવર પ્લાન્ટ માટે મધ્યપ્રદેશને કોલ લિન્કેજની સુવિધા ફાળવવામાં આવી છે. આ પ્રકલ્પના નિર્માણના તબક્કામાં ૬થી ૭ હજાર સીધી અને આડકતરી રોજગારીનું સર્જન કરશે અને પ્રકલ્પ કાર્યરત થયા બાદ એક હજાર કર્મચારીઓને રોજગારી આપશે તેવી ધારણા છે.અદાણી પાવર મધ્યપ્રદેશના ડિસ્કોમ સાથે ઉચિત સમયે પાવર સપ્લાય એગ્રીમેન્ટ અમલમાં મૂકવાની અપેક્ષા રાખે છે.
પાછલા એક વર્ષમાં કંપનીને વીજ પુરવઠો પૂરો પાડવા મળેલો આ ચોથો મોટો ઓર્ડર છે. ગત સપ્ટેમ્બર માસમાં તેણે અદાણી ગ્રીન એનર્જી સાથે મળીને મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી ૫,૦૦૦ મેગાવોટ સોલર અને ૧,૬૦૦ મેગાવોટ થર્મલ મળી કુલ ૬,૬૦૦ મેગાવોટ પાવર સપ્લાય કરવા માટેનો LoI મેળવ્યો હતો. ત્યારબાદ ચાલુ વર્ષના મે મહિનામા, અદાણી પાવરને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રાજ્યના ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી ૧,૬૦૦ મેગાવોટ વીજળી સપ્લાય કરવા માટે LoA પ્રાપ્ત થયો હતો જ્યારે ચાલુ ઓગસ્ટ માસમાં કંપનીને રાજ્યમાં નિર્માણ થનારા નવા પાવર પ્લાન્ટમાંથી ૨,૪૦૦ મેગાવોટ વીજ પુરી પાડવા માટે બિહાર સરકાર તરફથી LoA મળ્યો છે.