અભિનેતા મિથુન ચક્રવર્તીને મળશે 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ
નવી દિલ્હીઃ 'મૃગયા', 'સુરક્ષા' અને 'ડિસ્કો ડાન્સર' જેવી ફિલ્મોના અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મિથુન ચક્રવર્તીને 08 ઓક્ટોબર 2024ના રોજ 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એવોર્ડ માટે અભિનેતાના નામની જાહેરાત કરી હતી. મંત્રીએ લખ્યું કે, “મિથુન દાની શાનદાર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. "એ જાહેર કરવું ગર્વની વાત છે કે 'દાદા સાહેબ ફાળકે' પસંદગી સમિતિએ જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે."
વૈષ્ણવે કહ્યું કે, ચક્રવર્તીને 8 ઓક્ટોબર, 2024ના રોજ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આ એવોર્ડ આપવામાં આવશે. ચક્રવર્તી (74) એ મૃણાલ સેનની 1976 માં આવેલી ફિલ્મ 'મૃગયા' થી અભિનયની શરૂઆત કરી, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. મિથુન ચક્રવતી 'કસમ પડાના વાલે કી' અને 'કમાન્ડો' જેવી ફિલ્મોથી લોકોમાં જાણીતા બન્યાં હતા.
મિથુન ચક્રવર્તીને કલાના ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. મિથુન ચક્રવર્તીએ પોતાના ફિલ્મી કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. મિથુન ચક્રવર્તી હજુ પણ ઉત્સાહ સાથે ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.