જેલમાંથી છૂટ્યો એક્ટર અલ્લુ અર્જુન, કહ્યું- આ પ્રેમ માટે આભાર, તપાસમાં સહકાર આપીશ
હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને શનિવારે ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ તેણે બધાનો આભાર માન્યો અને કહ્યું કે હું કાયદાનું સન્માન કરું છું. જે અકસ્માત થયો તે ખૂબ જ દુ:ખદ હતો. પીડિત પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
લોઅર કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ પછી તેના વકીલોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને અહીંથી અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા. જો કે, તેલંગાણા હાઈકોર્ટે તેમને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો કે મોડી રાત સુધી જામીનના હુકમની નકલ સત્તાવાળાઓને ન મળતાં તેમણે શુક્રવારની રાત જેલમાં જ વિતાવવી પડી હતી.
અલ્લુ અર્જુનની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી
વાસ્તવમાં 4 ડિસેમ્બરે ફિલ્મ 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને તેનું 8 વર્ષીય બાળક ઘાયલ થયું હતું. પીડિત પરિવારે આ ઘટના માટે ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આ ફરિયાદના આધારે ગઈ કાલે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. આખી રાત તે જેલમાં રહ્યો. વહેલી સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.