અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિના ડમ્પરની અડફેટે એક્ટિવાચાલકનું મોત
- એક્ટિવાચાલક યુવાન દાણીલીમડાથી શાહઆલમ દવા લેવા માટે જતો હતો,
- ડમ્પરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,
- ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી,
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં મ્યુનિના ડમ્પરચાલકે એક્ટિવા સ્કૂટરચાલકનો ભોગ લીધો છે. શહેરના દાણીલીમડા પોલીસ લાઈન સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવાચાલકનું મોત નિપજ્યુ હતુ. એક્ટિવાચાલક યુવાન દાણીલીમડાથી શાહઆલમ દવા લેવા જતો હતો ત્યારે ડમ્પરે અડફેટે લેતા એક્ટિવાચાલક યુવાન ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો અડધો ભાગ છુંદાઈ ગયો હતો. આ બનાવને પગલા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ડમ્પરચાલક દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો. આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, શહેરના દાણીલીમડા વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે રહેતો અમન શેખ (ઉં.વ.20) નામનો યુવક શાહઆલમ ખાતે ડાયાબિટીસની દવા લેવા માટે એક્ટિવા સ્કૂટર પર સવાર થઈને નીકળ્યો હતો. દાણીલીમડા પોલીસ લાઈન પાસે પહોંચ્યો, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાઈનું એક ડમ્પર ત્યાંથી પસાર થતું હતું. ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવાચાલક યુવાન રોડ પર પડકાયો હતો. યુવક ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું માથું અને શરીરનો ભાગ છુંદાઈ જતા ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ડમ્પરચાલક પોતાનું ડમ્પર મૂકી અને સામે પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો.
આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે યુવકના ફોન પરથી તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.