ભાવનગરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે અપાશે તો કાર્યવાહી થશે
- મૂળ લાભાર્થી સિવાય કોઈ રહેતું હશે તો ફ્લેટ સીલ સુધીના પગલાં લેવાશે,
- ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સર્વે હાથ ધરાશે,
- લાભાર્થી 7 વર્ષ સુધી કોઈ વ્યક્તિને વેચાણ કે ભાડે આપી શકે નહીં,
ભાવનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે મકાનો ફાળવવામાં આવ્યા છે.આવાસ યોજનામાં મકાનનો કબજો લીધા બાદ ઘણા લોકો મકાનો ભાડેથી આપી દેતા હોય છે. આથી મુળ લાભાર્થી સિવાય આવાસ યોજનાના મકાનોમાં અન્ય વ્યક્તિઓ રહેતા હશે તો લાભાર્થી સામે દંડનિય પગલાં લેવાની ચેતવણી ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. મ્યુનિ. દ્વારા સર્વે પણ કરવામાં આવશે. ત્યારબાદ ભાડુઆતો હશે તો મુળ માલિક પાસેથી મકાનો પરત લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર શહેરમાં તરસમિયા, રૂવા તથા ફૂલસર ખાતે મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની જગ્યાઓમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે. આ આવાસ યોજનામાં મૂળ લાભાર્થી સિવાય કોઈ અન્ય પરિવાર રહેતો માલુમ પડશે તો લાભાર્થી સામે દંડનિય પગલાં લેવાની ચેતવણી ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
શહેરી હદ વિસ્તાર હેઠળ રહેતા અને ગરીબી તથા મધ્યમ વર્ગીય પરિવારોને ઘરના ઘરનો આશરો મળી રહે તે માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકારી માલિકીની પડતર જગ્યાઓમાં આવા આવાસ યોજનાઓ બનાવવામાં આવ્યા છે. જેનો મૂળ ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘરનું ઘર મળી રહે તેવા હેતુસર આ યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારે શહેરના રુવા તરસમિયા અને ફુલસર ખાતે આવાસ યોજનાના સદનોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં સેંકડો પરિવારોને ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મૂળ લાભાર્થીઓ પોતાના ફ્લેટને તેમના સગા સંબંધીઓ કે અન્ય લોકોને ભાડે આપતા હોય છે.
સૂત્રોના કહેવા મુજબ પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ લાભાર્થી ફ્લેટ મેળવ્યા બાદ 7 વર્ષ સુધી કોઈ વ્યક્તિને વેચાણ કે ભાડે આપી શકે નહીં આથી આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા તમામ આવાસ યોજનામાં રહેતા પરિવારોનો સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે દરમિયાન મૂળ લાભાર્થી સિવાય અન્ય વ્યક્તિ રહેતા હોવાનું જાણમાં આવશે તો લાભાર્થી સામે દંડાત્મક અને શિક્ષાત્મક પગલાં સહિત તેમને ફાળવેલા ફ્લેટ સીલ કરવા સુધીની કામગીરી સહિત એ સમકક્ષના પગલાં લેવામાં આવશે. તેવું ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને સંબોધીને જણાવવામાં આવ્યું છે.