બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું
પાલનપુરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે. આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના ૩૧ થી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે. સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું છે.
આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, મહેસાણાના જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિત ડેમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.