સરગાસણના ડિજિટલ એરેસ્ટ કેસમાં પકડાયેલા આરોપીઓએ 30 કરોડની ઠગાઈ કર્યાનું ખૂલ્યું
- સુરેન્દ્રનગરના પકડાયેલા બન્ને શખસોએ પોલીસ સમક્ષ મોં ખોલ્યુ
- બન્ને શખસો દુબઈની ટ્રીપ કરીને મોજશોખ પાછળ રૂપિયા ઉડાવતા હતા
- બે ટકા કમિશન લઈને ભાવનગરના શખસને રકમ મોકલતા હતા
ગાંધીનગરઃ શહેર નજીક આવેલા સરગાસણના એક દંપત્તીને મોબાઈલ પર ફોન કરીને મની લોંડરિંગ કર્યાની ધમકી આપીને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા અઢી લાખ ઓન લાઈન ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયા બાદ પોલીસે સુરેન્દ્રનગરથી બે શખસોને દબોચી લીધા હતા. પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત અને યશ દંગીની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને શખસોની પૂછતાછ કરતા આરોપી ભાવેશે મોઢું ખોલ્યું હતું કે, દુબઈની ટ્રિપ કરતો હતો, મોટાભાગની રકમ મોજશોખ અને દુબઈની મહિલાઓ પાછળ વાપરી નાખતો હતો. એટલું જ નહીં, આરોપીઓ 30 કરોડની ઠગાઈમાં સામેલ છે, જેમાં 2 ટકા કમિશન લઈ ભાવનગરના એક શખસને રકમ આંગડિયાથી મોકલી હતી.
ગાંધીનગરના સરગાસણના દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી ડિઝિટલ એરેસ્ટ કર્યા હોવાનું કહીને. તેમને વોટ્સએપ અને વીડિયો કોલ દ્વારા ડરાવી-ધમકાવીને 56 એફઆઈઆર બતાવી હતી તેમજ પોલીસ, રાજકારણી અને બેંક કર્મચારીઓની સંડોવણી હોવાનું કહ્યુ હતું. અને રૂપિયા અઢી લાખની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે સુરેન્દ્રનગરના જોરાવરનગરથી ભાવેશ નિમાવત અને યશ દંગીની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાની કરમ કુંડલી ખોલી દીધી હતી. આ આરોપીઓએ 40-45 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન 30 કરોડના આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. માસ્ટરમાઈન્ડ ભાવેશની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ઠગાઈના પૈસા મેળવ્યા બાદ તેઓ બે ટકા કમિશન રાખી બાકીની રકમ ભાવનગરના ગઢવી નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલી આપતા હતા. જેથી પોલીસની તપાસ ભાવનગર સુધી લંબાઈ છે.
આ ગુનામાં ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકમાં ભાવેશ નિમાવત (રહે, શેરી નં-13 મહાલક્ષ્મી મંદિરની પાસે, જોરાવરનગર, સુરેન્દ્રનગર) તેમજ યશ દંગી (રહે. શેરી નં - 8, એમ.જી.રોડ, સ્કૂલ નં-7ની પાસે, જોરાવરનગર,સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓએ ફ્રોડની રકમનું 2 ટકા કમિશન લઈને બેંક એકાઉન્ટની સગવડ ઉભી કરી, આંગડીયા મારફતે પૈસા આગળ મોકલી આપતા હોવાની કબૂલાત કરી છે. સાયબર ક્રાઈમના નેટવર્કમાં બંને આરોપીઓનું કામ અલગ- અલગ બેંક એકાઉન્ટમાં આવેલી રકમમાંથી પોતાનું 2 ટકા કમિશન કાપી આંગડીયા મારફતે આગળ મોકલી આપવાનું હતું. જેનાં માટે અંદાજીત 40-45 જેટલા સેવિંગ તથા કરન્ટ બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતા. જે એકાઉન્ટનું સ્ક્રુટિની કરવામાં આવતાં 30 કરોડનાં આર્થિક વ્યવહારો મળી આવ્યા છે.
પોલીસ રિમાન્ડ દરમિયાન એવી હકિકત મળી હતી કે, આરોપી ભાવેશ માસ્ટર માઈન્ડ છે. દંપતીએ ઈન્ફોસિટી બ્રાન્ચમાંથી સવારે 11 વાગે પૈસા RTGS કર્યા હતા અને 12 વાગે આ પૈસા છત્તીસગઢની બેંકના એકાઉન્ટમાં જમા થયા હતા. એ જ પૈસા 12.30 કલાકે રાજકોટના બેંક એકાઉન્ટમાં આવ્યા હતા. એ વખતે અગાઉથી ત્યાં હાજર ભાવેશ અને યશે ચેકથી પૈસા વિડ્રો કરી એમાંથી બે ટકા કમિશન કાપી લઈ બાકીના પૈસા ભાવનગર ગઢવી અટકવાળા ઈસમને આંગડીયા મારફતે મોકલી દીધા હતા. જેનાં પગલે પોલીસ તપાસ ભાવનગર સુધી પહોંચી છે. બીજી તરફ ઠગાઈની રકમનું કમિશન આવતા ભાવેશે દુબઈની ટ્રિપ મારવાનું પણ ચાલુ કરી દીધું હતું અને મોટાભાગના પૈસા મોજશોખ અને દુબઈની લલનાઓ પાછળ ઉડાડતા હતા.