મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં બે દાયકા બાદ આરોપી ઝડપાયો
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો આરોપી 21 વર્ષ બાદ ઝડપાયો છે. આરોપીએ સાગરિતો સાથે ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. આ બનાવમાં જે તે વખતે પોલીસે તપાસ કરી હતી, પરંતુ આરોપીઓને પકડી લેવામાં સફળતા ના મળતા અંતે ફાઇલ બંધ કરી દીધી. જો કે, વર્ષો બાદ ફરી કેસની ફાઇલ ખોલવામાં આવી ત્યારે પોલીસે આરોપીને જાલના સ્થિત તેના ઘરેથી પકડી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 9 જાન્યુઆરી, 2003ના રોજ ચાર લોકોએ પાલઘરના વિરાર ખાતે એક ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ઘરમાલિક અને તેના પરિવારને બંધક બનાવ્યા હતા. આ પછી તેમના ચહેરાને ધાબળાથી ઢાંકી દેવામાં આવ્યા હતા. આરોપીઓએ ઘરમાંથી રૂ.1.33 લાખના સોનાના દાગીના અને રૂ.25,000 રોકડાની ચોરી કરી હતી. આ પછી આરોપીઓએ બીજા ઘરને નિશાન બનાવ્યું, પરંતુ તેમને અહીં કશું મળ્યું નહીં. ઘટના બાદ આરોપી નાસી ગયો હતો.
2003માં બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસે તે જ દિવસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ લૂંટ અને હત્યાના પ્રયાસના આરોપમાં રિપોર્ટ દાખલ કર્યો હતો. 2005માં પોલીસે આ કેસમાં આરોપી સુચિનાથ રાજેશ સત્યવાન પવારની ધરપકડ કરી હતી. તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. સુચિનાથે પોલીસને પૂછપરછ દરમિયાન બાબુરાવ અન્ના કાલે સહિત અન્ય બે આરોપીઓના નામ પણ જણાવ્યા હતા. જો કે, ત્રણેય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેથી પોલીસ તેમને પકડી શકી ન હતી.