નાસિક રોડ રેલવે સ્ટેશન નજીક દુર્ઘટના: છઠ પુજા માટે જતા 3 મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, 2ના મોત
નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક રોડ રેલવે સ્ટેશન પાસે શનિવાર રાત્રે એક દુખદ દુર્ઘટના બની હતી, જેમાં છઠ પૂજા માટે ઘેર જતા ત્રણ મુસાફરો ટ્રેનમાંથી નીચે પડ્યા હતા. દુર્ઘટનામાં બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના રાત્રે બની ત્યારે લોકમાન્ય તિલક ટર્મિનસથી રક્સૌલ (બિહાર) જતી ટ્રેન નાસિક રોડ રેલવે સ્ટેશન પર અટક્યા વિના જ આગળ વધીને ઓઢા સ્ટેશન તરફ જઈ રહી હતી.
જાણકારી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ભુસાવલ તરફ જતા ટ્રેક પર કિમી 190/1 અને 190/3 વચ્ચે બંને મૃતક યુવકો (ઉમર અંદાજે 30 થી 35 વર્ષ) જોવા મળ્યા, જયારે એક ત્રીજો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઘાયલને તાત્કાલિક જિલ્લા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ હજુ સુધી થઈ નથી. છઠ પુજાના સમયે ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. પ્રાથમિક જાણકારી અનુસાર, મોસમની ભીડના કારણે મુસાફરો ટ્રેનમાં યોગ્ય રીતે ચડી ન શક્યા અને પડી જતાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે.
હાલમાં જીઆરપી (GRP) અને નાસિક રોડ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ટ્રેનમાંથી મુસાફરો કેવી રીતે પડી ગયા તેનો શોધખોળ શરૂ કરાયો છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.