ભાવનગર-ધોલેરા હાઈવે પર બે લકઝરી બસ વચ્ચે અકસ્માત, 10 પ્રવાસીઓ ઘવાયા
- બે લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં એક બસ પલટી ગઈ,
- ઘવાયેલા 10 પ્રવાસીઓમાં 3ની હાલત ગંભીર,
- બન્ને લકઝરી બસ સુરતથી ભાવનગર ઝઊ રહી હતી
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર ઓવરસ્પિડ અને ઓવરટેકને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધોલેરા ભાવનગર હાઈવે પર હેબતપુર ગામ નજીક આજે વહેલી સવારે બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.બંને લકઝરી બસની ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના આ બનાવની વિગતો એવી છે કે, ધોલેરા ભાવનગર હાઈવે પર હેબતપુર ગામ નજીક આજે વહેલી સવારે નટરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ અને બદ્રીનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર તરફ જતી નટરાજ ટ્રાવેલ્સ વળાંક લઈ રહી હતી ત્યારે, પાછળથી આવી રહેલી બદ્રીનાથ ટ્રાવેલ્સ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. બંને લકઝરી બસ સુરતથી ભાવનગર તરફ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 3ની હાલત ગંભીર છે. નટરાજ ટ્રાવેલ્સની બસ રોડ પર પલટી ખાઇ ગઈ હતી, જ્યારે બદ્રીનાથ ટ્રાવેલ્સનો કંડકટર સાઇડનો આગળનો ભાગ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.