અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં એકને ઈજા, 30 પ્રવાસીઓનો આબાદ બચાવ,
- હાઈવે પર બંધ પડેલા ટ્રેલર પાછળ લકઝરી બસ ઘૂંસી ગઈ,
- અકસ્માતના બીજા બનાવમાં પીકઅપવાન 50 ફુટ ઊંડા તળાવમાં ખાબકી
સુરેન્દ્રનગરઃ અમજાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક પરશુરામ ધામ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જયારે અન્ય 30 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો, જ્યારે અકસ્માતનો બીજો બનાવ મુળી નજીક સર્જાયો હતો. જેમાં 20 જેટલા શ્રમિકો ભરેલી પીકઅપવાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપવાન રોડ નજીક આવેલા ઊંડા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 12 જેટલા લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રથમ અકસ્માતની વિગતો એવી છે કે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક પરશુરામ ધામ પાસે બંધ ટ્રેલર પાછળ ખાનગી લકઝરી બસ ઘુસી જતા પ્રવાસીઓએ બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન આજુબાજુના લોકો તેમજ અન્ય વાહનચાલકો પોતાના વાહનો ઊભા રાખીને બચાવ કામગીરીમાં જોડાયા હતા. જો કે સદનીબે આ અકસ્માતમાં માત્ર એક વ્યતિને ઈજા થઈ હતી બાકીના 30 પ્રવાસીઓનો બચાવ થયો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જયારે આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ટ્રાફિક પુન: કાર્યરત કરાવ્યો હતો.
બીજા અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, મૂળી તાલુકામાં ખાખારાળાથી અંદાજે 20 જેટલા મજૂર ભરી પલાસા પીકઅપ કારનો તળાવની પાળ પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ રોડથી અંદાજે 50 ફૂટ જેટલા ઊંડા તળાવમાં પલ્ટી મારી ગઇ હતી. જેથી કારમાં સવાર 20 જેટલા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. અકસ્માતમાં 12 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 અને ખાનગી વાહનની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.