વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, 8ને ઈજા
- પવન ટ્રાવેલ્સની લકઝરી બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી
- પૂરફાટ ઝડપે બસ ટ્રકની પાછળ અથડાઈ
- પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી
વડોદરાઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે.ત્યારે વડોદરા નજીક આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 8 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા નજીક નેશનલ હાઈવે પર આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સની લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પવન ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રકની પાછળ ધકાકાભેર અથડાઈ હતી. જેમાં બે પ્રવાસીઓના મોત નિપજ્યા હતા, જેમાં મૃતકના નામ ચંદુભાઈ સવજીભાઈ કુંભાણી ઉંમર વર્ષ 58 રહે. અમદાવાદ, તથા પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ 25 રહે. અમરેલી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના ચંદુભાઈ અને તેમના પત્ની સુરતથી સામાજીક પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતાં. તેઓનો સોફો બસના પાછળના ભાગે હતો, પરંતુ હોટલ નજીક આવતા ચંદુભાઈ બસમાં આગળ આવીને બેઠા હતાં ને અકસ્માતે જીવ ગુમાવ્યો છે. જો તેઓ પાછળ બેઠેલા હોત તો બચી ગયાં હતો.
મૃતક ચંદુભાઈ કુંભાણીના પુત્ર હિરેનભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે પવન ટ્રાવેલ્સની બસ સુરતથી અમદાવાદ તરફ આવી રહી હતી, તે સમયે વડોદરા પાસે અકસ્માત થયો હતો. જેમાં મારા પિતા ચંદુભાઈ કુંભાણીનું અવસાન થયું છે. મારા પિતા બસમાં પાછળના સોફામાં બેઠા હતા. પરંતુ હોટલ નજીક હોવાથી તેઓ આગળ આવીને બેઠા હતા. આ સમયે જ અકસ્માત થતા મારા પિતાએ જીવ ગુમાવ્યો છે. એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મારા માતા-પિતા અમદાવાદથી સુરત ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત થતાં સવારે 4:00 વાગ્યે મારા માતાનો મારી પર ફોન આવ્યો હતો, તેથી હું વડોદરા આવી ગયો છું.
અકસ્માતના આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ, હાથ ધરી છે.