ગાંધીનગરમાં શાહપુર સર્કલ જતાં રોડ પર આઈસર અને કાર વચ્ચે અકસ્માત
- આઈસરના ક્લિનરનું રોડ પર પટકાતા મોત
- કારે આઈસરને પાછળથી ટક્કર મારતા આઈસર વીજપોલ સાથે અથડાઈ
- ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના રિલાયન્સ ચોકડીથી શાહપુર સર્કલ તરફ જતા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક આઈસર ટ્રકના ક્લીનરનું મોત નિપજ્યું હતું. પૂર ઝડપે આવેલી કારે આઈસરને પાછળથી ટક્કર મારતા આઈસર વીજપોલ સાથે અથડાયો હતો. અને આઈસરનો આગળનો કાચ તૂટી જતા ક્લિનર બહાર ફેંકાતા આઈસર નીચે દબાતા તેનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પ્રાંતિજના શ્રીજી ટ્રાન્સપોર્ટની આઈસર ગાડીના ડ્રાઈવર મોહસીનઅલી બાપુ અને ક્લીનર માહીન મલેક રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ સરખેજથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રિલાયન્સ ચોકડીથી શાહપુર સર્કલ તરફ જતા રોડ પર એક કારે પૂરઝડપે આઈસરને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ આઈસર સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. ત્યારબાદ આઈસરના ડ્રાઈવર સાઈડના દરવાજે કાર અથડાતા ટ્રક રોડની ડાબી તરફ ઉતરી ગયો હતો. અકસ્માતના આ બનાવમાં આઈસરનો આગળનો કાચ તૂટી જતાં ક્લીનર માહીન મલેક (રહે. મંગાજીનો મહોલ્લો, ઓરણગામ, પ્રાંતિજ) બહાર ફેંકાઈ ગયા હતા. તેઓ આઈસરના જમણા ટાયર અને ધરા નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. કારના ચાલકને પણ ઈજાઓ થઈ છે. ઈન્ફોસિટી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.