હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

શૈક્ષણિક અભ્યાસને સ્પર્ધા નહીં વિકાસની યાત્રા સમજવાની જરૂર છે

08:00 AM Oct 04, 2025 IST | revoi editor
Advertisement
પુલક ત્રિવેદી

હાર્વર્ડ યુનિવર્સિટીના એક યુવાન વિદ્યાર્થીએ સોફ્ટવેર બનાવવાની ધુનમાં એનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો હતો. આ યુવાને ૧૩ વર્ષની ઉંમરથી જ મોટા મોટા સોફ્ટવેર બનાવવાનું શરૂ કરી દીધું હતું. સીએટલ, વોશિંગ્ટનમાં વકિલાત કરતાં વિલિયમ અને મેરી મેક્સવેલનું આ સંતાન એ બીજું કોઈ નહીં પણ માઈક્રોસોફ્‌ટ કંપનીના સહસ્થાપક અને યુએસના બીઝનેસ ટાયફૂન બિલ ગેટ્‌સ. હાર્વર્ડનો અભ્યાસ અધવચ્ચેથી મૂકી દેનારા બિલનું આજે ફોર્બસની અબજોપતિની યાદીમાં નામ છે. ઓકટોબર ૨૦૧૭ના આંકડા મુજબ માઈક્રોસોફ્‌ટની નેટ વેલ્યુ ૮૯.૯ બિલિયન યુએસ ડોલર છે.

Advertisement

સફળ થવા માટે મોટી ડિગ્રીઓની જ જરૂર હોય છે એવું નથી. એવા ઘણા લોકો છે કે, જેમણે અભ્યાસમાં કોઈ મોટી સિદ્ધી મેળવી નથી છતાં પણ સફળતાની ઊંચાઈ પર પહોંચ્યા છે. ડોકટર, એન્જિનિયર, એમબીએ, સાયન્ટિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટંટ એવા કોઈ અભ્યાસક્રમના છોગા વગર પણ સફળ થઇ શકાય છે. જો કે, એનો અર્થ એવો પણ નથી થતો કે, સફળ બનવા માટે અભ્યાસ પાછળ સમય ન બગાડવો જોઇએ. કહેવાનું તાત્પર્ય એછે કે, અભ્યાસની મોટી ડિગ્રીઓ ન હોય તો પણ સફળ બની આગળ વધી શકાય. લક્ષ્ય નિર્ધારણની પહેલી આવશ્યકતા અને પછી લક્ષ્ય સુધી પહોંચવા માટે નિષ્ઠાપૂર્વકની મહેનત ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. ઘણા લોકોના મનમાં એવી પાક્કી માન્યતા હોય છે કે, અભ્યાસ વગર આગળ આવી શકાશે જ નહીં. કંઈક બનવા માટે પરિશ્રમ અને આગળ વધવાની તમન્ના રાખવાની હોય તો કોઇ પણ બાધા નડતી નથી.

દુનિયાને એપલ અને આઈફોનની નવતર પરિભાષા આપનાર સ્ટીવ જોબ્સે કાલેજનો અભ્યાસ અધૂરો મૂકીને ૧૯૭૫માં એપલ કંપની સ્થાપી. એવું જ એક બીજું મજબૂત ઉદાહરણ ડેલ કમ્પ્યુટરના સ્થાપક માઈકલ ડેલનું છે. માઈકલે ૧૯ વર્ષની ઉંમરે ઉચ્ચ અભ્યાસ છોડી દીધો. માઇકલને ૧૯૯૨માં વિશ્વનો સૌથી યુવાન સી.ઈ.ઓ. જાહેર કરવામાં આવ્યો. આજે ડેલ કંપની વિશ્વની અગ્રણી કમ્પ્યુટર બનાવવાવાળી કંપની તરીકે જાણીતી છે.

Advertisement

એક વખત જીવનમાં આગળ વધવા માટેનો જે રાહ નક્કી કર્યો હોય એના ઉપર મક્કમતાપૂર્વક ચાલવવાવાળા શિખરે પહોંચતા હોય છે. વર્ષ ૨૦૦૪માં હાર્વર્ડ યુનવર્સિટીનો અભ્યાસ પડતો મૂકીને માર્ક ઝકરબર્ગે ફેસબુકની સ્થાપના કરી. વિશ્વને સોશિયલ મીડિયાની નવી દિશા આપનારા આ યુવાનની ગણના આજે વિશ્વના ટોચના અમીરોમાં થાય છે. ફેસબુક આજે વિશ્વના અબજો લોકોની પ્રથમ પસંદગીની સાઈટ છે.

યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાંથી વર્ષ ૨૦૦૪માં ભણવાનું છોડીને એક લબરમુછીયા જવાને એક તગડું સોફ્‌ટવેર બનાવ્યું અને આજે આ સોફ્‌ટવેર વર્ડપ્રેસના નામથી ઓળખાય છે. મેથ્યુ મુલેનવેગ નામના ૨૦ વર્ષના આ યુવાને વર્ડપ્રેસ જેવું સોફ્‌ટવેર બનાવી પ્રોગ્રામીંગની દુનિયામાં નોકરી મેળવવા પ્રયાસો કર્યા પણ નોકરી ન મળવાને કારણે વર્ડપ્રેસ સોફ્‌ટવેર ઉપર વધારે ઊંડાણપૂર્વક કામ કર્યું. આજે ઈન્ટરનેટ ઉપર સૌથી વધારે વેબ સાઈટ્‌સ વર્ડપ્રેસની મદદથી જ બનાવવામાં આવે છે. સાચી લગન અને મકકમતાપૂર્વક આગળ વધવાનો નિશ્ચય માણસને ક્યારેય નાસીપાસ નથી કરતો.

ભારતની આઈટી કંપની વિપ્રોના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ અજીમ પ્રેમજીએ ૨૧ વર્ષની ઉંમરે આગળ ભણવાનું મૂકી દીધું હતું. એસેલ ગ્રુપના માલિક અને દેશમાં ઝી ટીવીને સેટેલાઈટ ટીવીના રૂપમાં સૌથી પહેલાં લોંચ કરનારા સુભાષ ચંદ્રા ક્યારેય કાલેજના પગથિયાં ચડ્યા નથી પણ, હિન્દુસ્તાનના મોટા ગજાના ઉદ્યોગપતિઓમાં એમનું નામ શાનથી લેવાય છે. વિશ્વમાં ‘ક્રિકેટીંગ ગોડ’ તરીકે જે વ્યક્તિને પૂજવામાં આવે છે એવા સચિન તેંડુલકર માત્ર ૧૦મું ધોરણ ભણેલા છે. જો કે ક્રિકેટમાં સખત પરિશ્રમના કારણે જ સચિન તેંડુલકરે ૧૦માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. એવી જ એક સ્પોટ્‌ર્સ પર્સનાલિટી મેરી કોમ છે કે જેણે, સ્કૂલમાંથી અભ્યાસ છોડીને બોક્સીંગમાં પોતાની કેરિયર બનાવવાનો નિર્ણય લીધો. આજે ભારતની અગ્રણી મહિલા બોક્સરોમાં મેરી કોમનુ નામ ગૌરવપૂર્વક લેવાય છે. મિસ્ટર પર્ફેક્ટનીસ્ટ તરીકે બોલીવુડનું જાણીતું નામ આમીરખાન બહુ મોટો સફળ કલાકાર છે. એણે પણ ધોરણ ૧૨ પછી અભ્યાસ છોડીને એકટિંગમાં કેરિયર વિકસાવી.

શિક્ષણ જીવનનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી અંગ છે. દરેક વ્યક્તિએ શિક્ષિત - દિક્ષિત બનવું જ જોઈએ. આમ છતાં એ વાત એટલી જ મહત્વની છે કે, શાળા અને કાલેજોની ચાર દિવાલોમાં ભણાવવામાં આવતા પુસ્તકોના સહારે જ વ્યક્તિ આગળ વધી શકતી હોય છે એવું પણ નથી. જરા હટકે વાત કરીએ તો કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોય એ વ્યક્તિ ખરેખર તો ફાયદામાં રહે છે. એન્જિનિયરીંગનો અભ્યાસ કરનાર તબીબનું કામ કરી શકે ? મેડિકલમાં અભ્યાસ કરનાર મકાનો બનાવી શકે ? ઈલેટ્રિકલ એન્જિનિયરીંગ ભણેલો મેનેજમેન્ટનું કામ ના કરે. પણ જેની પાસે કોઈ ડિગ્રી જ નથી એ દુનિયાનું કોઈપણ કામ કરી શકે. એના માટે કોઈ ક્ષેત્ર સિમિત રહેતું નથી. જે ગમે તે ક્ષેત્રના ખુલા આકાશમાં પાંખો ફફડાવીને આવા વ્યક્તિઓ ખૂબ ઊંચે સુધી ઊડી શકતા હોય છે.

કોઈ એક ક્ષેત્રને પકડીને જીવનને એની આસપાસ જીવન ગૂંથતાં રહેવાની ચીલાચાલુ પદ્ધતિ છોડીને ખુલા ગગનમાં ખૂબ ઊંચે સુધી ઊડવાની માનસિકતા કેળવવી પડે. અભ્યાસ મહત્વનો જરૂર પણ, અભ્યાસ કરતાં પણ વધારે જરૂર છે, દ્રઢ નિશ્ચય અને પરિશ્રમના પ્રસવેદની. આગળ વધવા માટે અભ્યાસ વગર કદાચ ચાલી શકે પણ સંકલ્પ અને મહેનત વગર નહીં ચાલે. સફળ થવા માટે માત્ર પુસ્તકીયા જ્ઞાન કરતાં ક્યાંય વધારે મહેનતનું ઝનૂન અને આગળ વધવાની ભૂખ હોવી જોઈએ. કોઈપણ લક્ષ્ય અસંભવ નથી હોતું. પ્રત્યેક વ્યક્તિ ધીરૂભાઈ અંબાણી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, બીલ ગેટ્‌સ કે પછી અબ્દુલ કલામ જેવા મહારથી બનવાની ક્ષમતા ધરાવતાં જ હોય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને એક સરખી ક્ષમતા આપેલી છે. પોતાની ક્ષમતાને સમજવાની જરૂર છે. શૈક્ષણિક અભ્યાસ એ સ્પર્ધા નથી, એ તો વિકાસની યાત્રા છે.

(પુલક ત્રિવેદી)

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article