SC-STના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળતા ABVP દ્વારા વડોદરા, સુરત અને રાજકોટમાં કરાયો વિરોધ
- પાટનગર ગાંધીનગરમાં પણ વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો
- મેનેજમેન્ટ ક્વૉટાના જનજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા સામે વિરોધ
- એબીવીપીના વિદ્યાર્થીઓ કર્યો ચક્કાજામ
અમદાવાદઃ આદિજાતિ વિકાસ મંત્રાલયે 28 ઓક્ટોબર 2024ના રોજ મેનેજમેન્ટ ક્વૉટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી શૈક્ષણિક વર્ષ 2024-25માં એન્જિનિયરિંગ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. દરમિયાન અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા રાજકોટ, વડોદરા, સુરત, અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં દેખાવો યોજીને ચક્કાજામ કર્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને કાર્યકર્તાઓ રસ્તા પર સુઈ જતાં પોલીસ દ્વારા તેમને હટાવવામાં આવ્યા હતા. જેના પગલે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ ઉભો થયો હતો.
આદિજાતિ વિકાસ મંત્રાલયે 28 ઓક્ટોબર 2024ના રોજ મેનેજમેન્ટ ક્વૉટા હેઠળના એસસી એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ થવાથી વિદ્યાર્થીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. અને ઘણા વિદ્યાર્થીઓ ફી ભરી શકતા ન હોવાથી અભ્યાસ છોડવાની ફરજ પડી રહી છે. ABVPએ સરકારના આ નિર્ણય સામે વિરોધ કર્યો છે. વડોદાર, સુરત અને રાજકોટમાં ABVP દ્વારા ST-SCના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. ભાજપની વિદ્યાર્થી પાંખ દ્વારા રોડ-રસ્તા ચક્કાજામ કરી સરકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યકર્તાઓ રસ્તા પર સુઈ જતાં પોલીસ દ્વારા તેમને હટાવવામાં આવ્યા હતા.. જેના પગલે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ ઉભો થયો હતો.
વિદ્યાર્થી નેતા શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન પણ યોજ્યો. હવન દરમિયાન ABVPના કાર્યકર્તાઓએ સરકારને આ નિર્ણય પાછો ખેંચવા માટે સૂત્રોચાર કર્યા છે. સાથે ચક્કાજામ કરી અમારી વાત સરકાર સુધી વાત પહોંચે એ હેતુ છે. આ સરકાર વિકાસની વાતો કરે છે, અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ભણવાનું પણ અશક્ય બની રહ્યું છે. અમે આ અન્યાયી પરિપત્રને માનતા નથી. શિષ્યવૃત્તિ પાછી લાવીને જ રહીશું. જો સરકાર અમારી માગો સ્વીકારશે નહીં, તો આંદોલન હજી વધુ ઉગ્ર સ્વરૂપ લેશે. સુરતમાં પણ ABVPના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ આજે યૂનિવર્સિટીની બહાર એકઠા થયા. "વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો", "શિક્ષણ અમારો અધિકાર છે", "જનજાતી શિષ્યવૃત્તિ પાછી લાવો" જેવા ઉગ્ર સૂત્રોચાર સાથે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. માત્ર સૂત્રોચાર જ નહીં રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ પણ કર્યું હતું.