ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું
અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા દર વર્ષે 5 ડિસેમ્બરને “વિશ્વ જમીન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ જમીન દિવસની ઉજવણી “જમીનની સંભાળ: માપ, દેખરેખ, વ્યવસ્થા” થીમના આધારે કરવામાં આવી રહી છે.
જમીન પર થતી ખેતી એ જીવસૃષ્ટિના આહારનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ, ખારાશ અને આડેધડ રસાયણોના ઉપયોગથી અનેક હેક્ટર ખેતી લાયક જમીન બંજર બની રહી હતી. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી. આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું.
- કેવી રીતે બને છે સોઇલ હેલ્થ કાર્ડ
ખેતી લાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત નિયત પદ્ધતિથી ખેડૂતોના ખેતરમાંથી જમીનનો નમૂનો લઈને તેને પૃથ્થકરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. જ્યાં, આ નમૂનાનું પૃથ્થકરણ કરી તેના આધારે સોફ્ટ્વેર આધારીત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. આ કાર્ડમાં વિવિધ તત્વોનું પ્રમાણ દર્શાવવામાં આવે છે, જેના આધારે ખેડૂતોને જમીનમાં પ્રાપ્ત તત્વો માટે ક્યાં પ્રકારના અને કેટલા પ્રમાણમા ખાતરો વાપરવા, તેની ભલામણ સહ સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરી ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આવું કરવાથી ખેતરમાં નાખવામાં આવતા બિન જરૂરી કેમિકલયુક્ત ખાતરનો ઉપયોગ મર્યાદિત થાય છે.
- કુલ 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ
આ યોજના અમલમાં આવી તેના પ્રથમ તબક્કામાં ગુજરાતના 43.03 લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કાના સોઇલ હેલ્થ કાર્ડમાં કુલ 05 તત્વો (N, P, K, pH, EC) નું પ્રમાણ દર્શાવવામાં આવતું હતું. દ્વિતીય તબક્કામાં પણ રાજ્યના આશરે 46.92 લાખથી વધુ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. દ્વિતીય તબક્કાના સોઇલ હેલ્થ કાર્ડમાં કુલ 8 તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn)નું પ્રમાણ દર્શાવવામાં આવ્યું હતું.