વિસાવદરમાં આપ’ના ગોપાલ ઈટાલિયા અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજ્ય
- વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત,
- કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતથી વિજય,
- બન્ને બેઠકો પર કોંગ્રેનો કારમો પરાજ્ય
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થતાં કડીની બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડથી વિજય થયો છે. જ્યારે વિસાદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાનો 17,518 મતોછી વિજય થયો છે. આમ આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક જાળવી રાખી છે. આ બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જ્યારે કડીના ભાજપના ધારાસભ્યનું અવસાન થતા બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. એટલે કડીની બેઠક પણ ભાજપે જાળવી રાખી છે.
કડી અને વિસાવદર વિધાનસભા બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં ગોપાલ ઈટાલિયાનો 17581 મતથી વિજય થયો છે. જ્યારે કડીની બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની ભવ્ય વિજય થયો છે. કડીની બેઠક પર ભાજપને કુલ 98,836 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,077 મત મળ્યા હતા, અને 1,692 મત NOTAને મળ્યા હતા.
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગુરુવારે 19મી જૂનના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ આજે 23મી જૂને જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વિસાવદર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા બુથ કેપ્ચરિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ માલિડા અને નવા વઘાણીયા બુથ પર શનિવારે 21મી જૂને ફરીથી મતદાન થયું હતું. જેમાં બંને મતદાન મથકોનું સરેરાશ કુલ 81.11 ટકા મતદાન થયું હતુ.
વિસાદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. 21 રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી ભવ્ય જીત મેળવી લીધી છે. આપને કુલ 75906 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 58325 અને કોંગ્રેસને 5491 મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને 98,836 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 59,932 અને આપને 3,077 વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.