આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું
- હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુઃ વસાવા,
- IPS અધિકારીઓ અને ભાજપના નેતાઓએ ફસાવ્યાનો કર્યો આક્ષેપ,
- જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો,
વડોદરાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળતાં આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાયા છે. આજે વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર વસાવાના સમર્થકોનો જમાવડો હતો.અને ચૈતર વસાવા જેલની બહાર આવતાં જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું. હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે. જેલ બહાર સમર્થકો ઊમટી પડતાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વડોદરા જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, મેં ધારાસભ્ય તરીકે મિટિંગમાં હાજરી આપી હતી, તે દરમિયાન પૂર્વ આયોજિત મારી સાથે મગજમારી કરી હતી. પોલીસમાં મેં પોતે અરજી આપી છતાં મારી અરજી નથી લીધી અને સામે 307 લગાવી જેલમાં મૂકવામાં આવ્યો હતો. મને 80 દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે, તેમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો મોટો હાથ છે.
વસાવાએ વધુમાં કહ્યું કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા છે તેને અમે આવકારીએ છે. ભાજપ દ્વારા અવાજ દબાવવાની વાત છે, પરંતુ આ અવાજ દબાવાનો નથી. આ અમારા અને ગુજરાતના લોકોએ આપેલો અવાજ દબાવવાની વાત હતી, પરંતુ જ્યાં ખોટું થશે ત્યાં આ અવાજ દબાવાનો નથી. હાઇકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે, પરંતુ આવનારા દિવસોમાં મને ચોક્કસ ભરોસો છે કે, નામદાર, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું અને સત્યનો હંમેશા વિજય થાય છે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, એટિવિટિની મિટિંગ હતી, સરકારી અધિકારીઓ બધા હતા અને વેપારીઓને સભ્ય તરીકે લીધા હતા તે બાબતે બોલાચાલી થઈ હતી. મેં મહિલાને એકપણ અપશબ્દ બોલ્યો નથી. પણ હું જે રીતે હું ત્યાંથી ચૂંટાઈ આવું છું અને લોકો મારી સાથે છે, ત્યારે પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ અને ભાજપના નેતાઓએ મને ફસાવ્યો છે. એક વિપક્ષના ધારાસભ્ય તરીકે ફરિયાદ થયા પહેલા અટકાયત કરી લેવામાં આવે છે. અમે પણ ફરિયાદ આપી, પરંતુ લેવામાં આવતી નથી. આજે જે સમર્થકો, રાજકીય અને સામાજિક લોકોનો સહકાર મળ્યો છે, તેની પર અમે કાયમ રહીશું.