અમદાવાદના ગોમતીપુરમાં રોડ પર મ્યુનિએ ખોદેલા ખાડામાં એક્ટિવા સાથે યુવાન ખાબક્યો
- રોડ પર ખોદેલા ખાંડા પાસે બેરીકેટ પણ મુકાયા નહતા
- સ્ટ્રીટ લાઈટો પણ બંધ હતી
- બુમો સાંભલીને સ્થાનિકોએ યુવાનને ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના પાપે એક યુવાને 10 ફુટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. શહેરના ગોમતીપુર વિસ્તારમાં સિલ્વર મીલ પાસે મુક્તિ ચર્ચની બહાર ગત મોડી રાત્રે યુવક એક્ટિવા પર જઈ રહ્યો હતો ત્યારે મ્યુનિ.એ ડ્રેનેજ માટે ખોદેલા ઊંડા ખાડામાં ખાબક્યો હતો, દરમિયાન યુવાનની બુમો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો. મ્યુનિ.એ રોડ પર ખોદેલા ખાડાં પાસે બેરીકેટ પણ મુક્યા નહતા, તેમજ રોડ પરની સ્ટ્રીટ લાઈટ્સ પણ બંધ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડામાં યુવાન એક્ટિવા સાથે પડ્યો હતો. સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી રોડ પર અંધારું હતુ અને ખાડાની આજુબાજુ બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા નહતા. જેના કારણે એક્ટિવા ચાલકને ખાડો દેખાયો નહોતો અને સીધો ખાડામાં પડ્યો હતો. 10 ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડેલા યુવકને સ્થાનિક લોકોએ મહામહેનતે બહાર કાઢ્યો હતો. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, સ્થાનિકોએ યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ અને ખોખરા વોર્ડના ઇજનેર વિભાગની બેદરકારીના કારણે એક યુવક ખાડામાં પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તાઓ પર પાણી, ડ્રેનેજ કે અન્ય કોઈ કામગીરી માટે ખોદાણ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા SOP બહાર પાડી છે. જેમાં જ્યારે ખોદાણ કરવામાં આવે ત્યારે તેની આસપાસ સુરક્ષા માટે મજબૂત બેરિકેડિંગ કરવાની સૂચના હોવા છતાં પણ બેરિકેડિંગ ન કર્યું હોવાના કારણે યુવકનો જીવ માંડ-માંડ બચ્યો છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા જન્મેશ સોની (ઉં.વ.35) પોતાના એમ્બ્રોઇડરીના કામકાજથી મોડી રાત્રે 12.45 વાગ્યાની આસપાસ પોતાનું એક્ટિવા લઈને ગોમતીપુર જવા નીકળ્યા હતાં. ત્યારે સિલ્વર મિલ પાસે મુક્તિ ચર્ચની બહાર પહોંચ્યા, ત્યારે કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા ડ્રેનેજ માટેના મેન હોલના ખોદેલા ખાડામાં એક્ટિવા લઈને પડ્યા હતા. રોડ ઉપર આવેલી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે અને મેન હોલ માટેના કરવામાં આવેલા 10 ફૂટ જેટલા ઊંડા ખાડાની આજુબાજુ ક્યાંય પણ બેરિકેટિંગ કરેલું ન હોવાના કારણે તેઓને ખાડો દેખાયો નહોતો અને તેવો ખાડામાં પડ્યા હતા. વાહનચાલક ગટરના ગંદા પાણી સાથેના ઊંડા ખાડામાં પડ્યા હોવાની સ્થાનિક લોકોને જાણ થતા તેઓએ ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઇ ફાયરબ્રિગેડ, પોલીસને જાણ કરી હતી.