ગાંધીનગરના સરગાસણમાં BMW કારે રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા મોત
- અકસ્માત બાદ કારચાલક ભાગવા જતા લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો,
- પોલીસે કારચાલક હર્ષ મોરેશ્વરની કરી ધરપકડ,
- પોલીસે BMW કારને પણ જપ્ત કરી
ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં બેફામ ઝડપે વાહનો ચલાવવાને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સરગાસણમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. શહેરના સરગાસણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પૂરફાટ ઝડપે BMW કારે રોડ ક્રોસ કરી રહેલી એક યુવતીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવને લીધે લોકો એકઠા થઈ ગયા હતા. અને કારચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો હતો.
ગાંધીનગર શહેરના સરગાસણ વિસ્તારની વાછાણી હોસ્પિટલ અને ડી-માર્ટ નજીક 29 વર્ષની યુવતી રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે BMW કાર ચાલકે યુવતીને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને પોલીસને જાણ કરતા ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી BMW કારને તપાસી તેમજ કેમેરા ફૂટેજ અને સાક્ષીઓના આધાર પર કારચાલક હર્ષ મોરેશ્વરની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારચાલક હર્ષ મોરેશ્વરની ધરપકડ કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે. તેમજ BMW કારને કસ્ટડીમાં લઈ ફોરેન્સિક તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારની ટક્કરમાં યુવતીને માથા અને શરીર પર ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
સ્થાનિક લોકોના કહેવા મુજબ કારની સ્પીડ વધુ હોવાને લીધે આ અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક નિર્દોષ જીવ ગયો છે. ઘટના સ્થળે અકસ્માતની ગંભીરતા જોઈને લોકોમાં રોષ ફેલાયો હતો અને સ્થાનિકોએ પોલીસ પર તરત કાર્યવાહી કરવાની માંગ કરી હતી.