For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના મજુરા ગેટ બ્રિજ પર પતંગની દોરીથી ગળુ કપાતા યુવાનને હોસ્પિટલ ખસેડાયો

04:01 PM Nov 24, 2025 IST | Vinayak Barot
સુરતના મજુરા ગેટ બ્રિજ પર પતંગની દોરીથી ગળુ કપાતા યુવાનને હોસ્પિટલ ખસેડાયો
Advertisement
  • પતંગની દોરી ગળામાં ભરાતા યુવાન રોડ પર પટકાયો,
  • આજુબાજુના લોકોએ દોડી આવીને ઘવાયેલા યુવાનને હોસ્પિટલ ખસેડ્યો,
  • ઉત્તરાણ પહેલા જ ચાઈનિઝ દોરીથી પતંગો ચગાવતા પતંગરસિયાઓ

સુરતઃ ઉત્તરાણના પર્વને દોઢ મહિનાથી વધુ સમય બાકી છે, ત્યારે સુરતમાં પતંગો ચગાવવામાં આવી રહી છે. સાથે પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના મજૂરા ગેટ બ્રિજ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતા 45 વર્ષીય યુવાન રોડ પર પટકાયો હતો, અને પતંગની દોરીથી ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ બનાવથી રાહદારીઓ, આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, શહેરના અડાજણ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ નામના 45 વર્ષીય વ્યક્તિ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. દોરી વાગતાં પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. આ બનાવ બનતાં જ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. એક રાહદારી યુવકે જણાવ્યું હતું કે, આ વ્યક્તિ મજુરા ગેટના બ્રિજ પર ગળું કપાયેલી હાલતમાં હતા અને ઘણા બધા લોકોનું ટોળું તેમની આજુબાજુમાં જોવા મળ્યું હતું. પતંગની દોરીના કારણે તેમનું ગળું કપાયું હતું તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શહેરના મજુરા ગેટ બ્રિજ પરથી પસાર થતાં પશુપતિસિંહને પતંગની દોરીથી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના થોડા સમય પહેલા જ આવા કિસ્સાઓ સામે આવતા સ્થાનિકોમાં અને વાહનચાલકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા બ્રિજ પર અત્યારથી જ વાયર લગાવીને લોકોના ગળા કપાતા અટકાવવામાં આવે તો નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement