લખનૌની હોટલમાં યુવાને માતા અને ચાર બહેનોની ઘાતકી હત્યા કરી, પોલીસ તંત્ર દોડતું થયું
- પરિવાર આગ્રાનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું
- પારિવારિક વિવાદને કારણે આ હત્યાકાંડ કરાયાનું સામે આવ્યું
લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં 5 લોકોના મોતની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. અરશદ નામના 24 વર્ષીય યુવાને પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાં આવેલી હોટલ શરણજીતમાં પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે જ આરોપીઓએ ચાર બહેનો અને માતાની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લખનૌની એક હોટલમાં આરોપી અરશદએ પોતાની બહેન આલિયા (ઉંમર 9 વર્ષ), અલશિયા (ઉંમર 19 વર્ષ), અક્સા (ઉંમર 16 વર્ષ) અને રહેમિન (ઉંમર 18 વર્ષ) સાથે મળીને તેની માતા અસમાની હત્યા કરી હતી. આરોપી યુવક અરશદ આગ્રાનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી અને ફિલ્ડ યુનિટને પણ બોલાવવામાં આવી હતી અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હતા. આ કેસમાં આરોપી અરશદની ઘટના સ્થળેથી ધરપકડ કરી ઝીણવટભરી તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે પિતા-પુત્ર નવા વર્ષની ઉજવણી માટે બહારથી ખાવા-પીવાનું લાવ્યા હતા. આરોપીના પિતાનું નામ બાદર છે તે આ કેસમાં શંકાસ્પદ છે અને તેને પોલીસ શોધી રહી છે. મૃતકોના ગળા અને કાંડા પર અલગ-અલગ નિશાન મળી આવ્યા હતા.
લખનૌના ડીસીપી રવીના ત્યાગીએ કહ્યું કે આજે બુધવારે (1 જાન્યુઆરી, 2025) પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાંથી એક માહિતી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલ શરણજીતના રૂમમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, અરશદ નામના યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જે આગ્રાનો રહેવાસી છે.
ડીસીપી રવીના ત્યાગીએ જણાવ્યું કે આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે પારિવારિક વિવાદને કારણે તેણે તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી હતી. વધુ તપાસ પણ ચાલુ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ફિલ્ડ યુનિટને પણ બોલાવીને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.