સુરતમાં ઓવરબ્રિજ પર પતંગની દોરી ભરાતા બાઈકચાલક યુવાન, મહિલા અને બાળક પટકાયાં
- બાઈકચાલકને ગળામાં પતંગની દોરી ભરાતા બેલેન્સ ગુમાવ્યુ,
- બાઈકચાલક અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- શહેરમાં ચાઈનિઝ દોરીથી ઉડાડતા પંતગ બાજો સામે પગલાં લેવા માગ ઊઠી
સુરતઃ ઉત્તરાણ પર્વને એક મહિનાથી વધુ સમય બાકી છે, ત્યારે પતંગરસિયાઓ પતંગો ચગાવી રહ્યા છે. તેથી શહેરના ઓવરબ્રિજ પર પતંગની દોરીથી ઈજા થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ શહેરના લિંબાયત ફ્લાયઓવર બ્રિજ પર બન્યા હતો. બાઈકચાલકને પતંગની દોરી ગળામાં ભરાતા બાઈકચાલક યુવાન, તેની માતા અને બાળક રોડ પર પટકાયા હતા. જોકે સદભાગ્યે બાળકને કોઈ ઈજા થઈ નહોતી પણ માતા-પૂત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં ફલાયઓવર બ્રિજ પર પતંગના દોરીને કારણે સાંજના સમયે એક અકસ્માત સર્જાયો હતો. બાઈક પર માતા-પુત્ર અને એક નાનો બાળક એમ ત્રણેય સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રોડ પર લટકતો દોરી બાઈસ સવાર યુવકના ગળામાં ફસાતા બાઈકચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ પર પટકાયા હતા. પતંગની દોરીને લીધે બાઈક ચાલક યુવકનો ગાલ ઊંડો ચીરાઈ ગયો હતો, સાથે બાઈક સવાર મહિલાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જોકે બંને વચ્ચે બેઠેલા નાના બાળકનો મોટો આબાદ બચાવ થયો છે. ત્યારે લોહીલુહાણ હાલતમાં યુવક અને મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,
નોંધનીય છે કે, માત્ર થોડા જ દિવસો પહેલાં છોટાઉદેપુર જિલ્લામાં પણ ચાઈનીઝ દોરાના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું. બોડેલીથી ડભોઈ તરફ જઈ રહેલા જગદીશભાઈ તરબડા નામના બાઈકચાલકના ગળામાં અલીપુરા ચાર રસ્તા પાસે લટકતો માંજો ફસાઈ ગયો હતો. ગળામાં ઊંડો ઘા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, ત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ આવી કરૂણ ઘટનાઓ વધી રહી છે, જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે .