જાણીતી મોબાઈલ કંપનીએ ગ્રાહકને યુઝર મેન્યુઅલ નહીં આપતા ચુકવવો પડ્યો દંડ
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જ્યારે તમે નવો સ્માર્ટફોન ખરીદો છો ત્યારે ફોનની સાથે તેની એક્સેસરીઝ અને યુઝર મેન્યુઅલ તથા વોરંટી ડિટેલ પણ આપવામાં આવે છે. જો કે મોટાભાગની સ્માર્ટફોન કંપનીઓ ગ્રાહકને વપરાશકર્તા માર્ગદર્શિકા પ્રદાન કરે છે, પરંતુ બેંગલુરુના એક સ્માર્ટફોન ગ્રાહકને સ્માર્ટફોનની ખરીદી સાથે વપરાશકર્તા મેન્યુઅલ આપવામાં આવ્યું ન હતું. જેના કારણે તે વ્યક્તિ કોર્ટમાં પહોંચી હતી. અંતે મોબાઈલ કંપનીને પોતાની ભૂલ સ્વીકારવી પડી અને મોબાઈલ યુઝરને 5000 રૂપિયાનો દંડ ચુકવવો પડ્યો હતો.
સ્માર્ટફોન ગ્રાહકે બેંગલુરુ કન્ઝ્યુમર પેનલને ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે તેને સ્માર્ટફોન ખરીદવા પર યુઝર મેન્યુઅલ આપવામાં આવ્યું નથી. તેમજ વોરંટી વિગતો આપવામાં આવી ન હતી. આ ઘટના બેંગલુરુના સંજય નગરના રહેવાસી રમેશ સાથે બની હતી. તેમણે ડિસેમ્બર 2023માં જાણીતી કંપનીનો સ્માર્ટફોન રૂ 24,598માં ખરીદ્યો હતો. રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોન પેકેજ સાથે યુઝર મેન્યુઅલ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે ફોનની વોરંટી અને ફોનના ફીચર્સ વિશે જાણકારી મળી શકી નથી. આવી સ્થિતિમાં તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
ફોન ખરીદ્યાના ચાર મહિના પછી એપ્રિલમાં સ્માર્ટફોન યુઝર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ મામલે કંપનીને 5000 રૂપિયા દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.