For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

'ટ્રાફિક અવેરનેસ' બાબતે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાઇ અનોખી પહેલ

01:31 PM Dec 18, 2024 IST | revoi editor
 ટ્રાફિક અવેરનેસ  બાબતે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાઇ અનોખી પહેલ
Advertisement

અમદાવાદઃ અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટ્રાફિક અંગેની 'શોર્ટ ફિલ્મ સ્પર્ધા'ના વિજેતાઓનો સત્કાર સમારોહ યોજાયો હતો.

Advertisement

આ સ્પર્ધામાં અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 458 જેટલી શોર્ટ ફિલ્મો બનાવવામાં આવી હતી. જેમાંથી 10 જેટલી શ્રેષ્ઠ ફિલ્મોને ગૃહરાજ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. અન્ય 50 જેટલી ફિલ્મોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ 10 શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ફિલ્મનિર્માતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, તમામ ફિલ્મોને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી ટ્રાફિક નિયમન બાબતે જાગૃતતા લવાશે.

વધુમાં સંઘવીએ પોલીસ દ્વારા કરાતી વિવિધ નોંધપાત્ર કામગીરી વિશે જણાવ્યું હતું. આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને અકસ્માતો ઘટાડવા હજુ વધુ કડકાઈથી ટ્રાફિક નિયમનનું પાલન કરાવાશે, તેવું શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, રોડ એન્જિનિયરિંગ એ ટ્રાફિક અને અકસ્માત ઘટાડવા સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ કામગીરીને લઈને આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં 25% જેટલો ઘટાડો થયો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવતા કહ્યું કે, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે કરાયેલ નોંધપાત્ર કામગીરીને કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગમાં કરાયેલ કામગીરીને પણ બિરદાવી હતી.

હર્ષ સંઘવીએ ટ્રાફિકના કામોમાં સહયોગ બદલ ટ્રાફિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી પંકજ પટેલનો પણ આભાર માન્યો હતો.

'શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધા'ના વિજેતાઓને માતબર રોકડ ઈનામી રકમ સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પ્રથમ વિજેતાને રૂ. 2 લાખનું રોકડ ઈનામ, દ્વિતીય વિજેતાને રૂ.1.5 લાખનું રોકડ ઈનામ અને તૃતીય વિજેતાને રૂ.1 લાખનું રોકડ ઈનામ જ્યારે અન્ય સાતને રૂ.10,000 રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે અમદાવાદ પોલીસની ટીમને અભિનંદન આપતા જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ બાબતે પ્રશંસનીય કામગીરી કરાઇ રહી છે, જેના પરિણામે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે, આજના સમયમાં ટ્રાફિક નિયમનો બાબતે તમામ લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે. વિકાસ સહાયે ટ્રાફિક જાગૃતતાના આ પ્રકારના કાર્યક્રમના આયોજનને લઇને પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિકને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. કમિશનરએ આ શોર્ટ ફિલ્મ સ્પર્ધા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે આંકડાકીય માહિતીઓ દર્શાવી અકસ્માતમાં થયેલ ઘટાડા વિશે પણ જણાવ્યું હતું. કમિશનરએ લોકો દ્વારા કરાયેલ રજૂઆતોને પણ ધ્યાનમાં લઈને સુધારાઓ કરાયા છે, તેવું જણાવ્યું હતું.

આ પ્રસંગે નાયબ ટ્રાફિક પોલીસ કમિશનર સફીન હસને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત અને ટ્રાફિક ઘટાડવા કરાયેલ નોંધપાત્ર કામગીરી વિશે સૌને વાકેફ કર્યા હતા. વધુમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલ ટ્રાફિક જાગૃતતાના કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી.

Advertisement
Tags :
Advertisement