અંબાજી-આબુરોડ પર માર્બલ ભરેલું ટ્રેલર 20 ફુટ ઊંડી નદીમાં ખાબક્યુ
- અકસ્માતમાં ટ્રેલરના ચાલકનો આબાદ બચાવ
- પહાડી ઢોળાવવાળા વિસ્તારને લીધે અકસ્માતના બનાવો બને છે
- ટ્રેલર અંબાજીથી માર્બલના ખંડા ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું
અંબાજીઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં અંબાજી જતાં માર્ગો પર પહાડી અને ઢોળાવ વિસ્તાર હોવાથી વાહનચાલકો કાબુ ગુમાવી દેતા હોય છે. અંબાજીથી આબુરોડ તરફ જતા હાઈવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આંબલીમાર વિસ્તાર પાસે માર્બલના ખંડા ભરેલા ટ્રેલરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડથી 20 ફૂટ નીચે નદીમાં પલટી મારી હતી. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
અંબાજીથી આબુ રોડનો હાઈવે પર વાહન ચલાવતી વખતે વધુ તકેદારી રાખવી પડે છે. ત્યારે અંબાજીથી માર્બલના ખંડા ભરીને રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રેલરે પલટી મારતા 20 ફુટ ઊંડી નદીમાં ટ્રેલર ખાબક્યું હતું. દાંતા તાલુકાનો મોટાભાગનો વિસ્તાર પહાડી અને ઢાળવાળો છે. આ વિસ્તારમાં બેફામ વાહન ચાલકો અને પહાડી માર્ગને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. યાત્રાધામ અંબાજી જવા-આવવાના તમામ માર્ગો પહાડી વિસ્તારમાંથી પસાર થાય છે, જ્યાં વાહનોના બ્રેક ફેલ થવાના અને ઓવરલોડિંગના કારણે અકસ્માતો થતા રહે છે. ઘટના સમયે ટ્રેલર અંબાજીથી માર્બલના ખંડા ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું. આંબલીમાર પાસે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેલર સીધું નદીમાં જઈને પડ્યું હતું. આ માર્ગ પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો નોંધાઈ ચૂક્યા છે, જે આ વિસ્તારની જોખમી પરિસ્થિતિ દર્શાવે છે.