For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા

06:34 PM Mar 19, 2025 IST | revoi editor
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બ્રેઇનડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગો મળ્યા
Advertisement
  • અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી
  • ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિને વેગ આપવા પ્રચાર-પસાર માટે રૂ. 7 કરોડના ફંડની જોગવાઈ
  • રાજ્યમાં 35,008 લોકોએ NOTTOના વેબપોર્ટલ પર અંગદાનની પ્રતિજ્ઞા લીધી

ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે,રાજ્યમાં બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી મળતા અંગોને અન્ય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી અને ઓનલાઇન છે.

Advertisement

તેમણે વધુમાં ઉમેર્યું કે, ટ્રાન્સપ્લાન્ટ માટેના રજીસ્ટ્રેશનથી લઇ ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયામાં ગેરરિતી કે લાગવગને કોઇપણ અવકાશ નથી.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા વર્ષોમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રવૃતિને વેગ મળ્યો છે. જેના પરિણામે જ રાજ્યમાં ગત્ બે વર્ષમાં સરકારી અને ખાનગી મળીને કુલ 856 જેટલા અંગો મળ્યાં. જેમાં 464 કિડની, 235 લીવર, 65 હ્રદય, 68 ફેફસા, 03 સ્વાદુપિંડ, 8 નાના આંતરડા,  અને 13 હાથોનું દાન મળ્યું.  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ બે વર્ષમાં કુલ 282 અંગોનું દાન મળ્યું છે.

Advertisement

રાજ્યમાં અંગદાનની પ્રવૃતિને વેગ આપવા હાથ ધરાયેલી કામગીરી સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આઇ.ઇ.સી. (ઇન્ફોરમેશન, એજ્યુકેશન અને કોમ્યુનીકેશન) એટલે કે પ્રચાર – પસારના હેતુથી ફંડ સ્વરૂપ રૂ.7 કરોડની SOTTO (સ્ટેટ ઓર્ગન એન્‍ડ ટીસ્યુ ટ્રાન્‍સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન)ને જોગવાઈ કરાઇ છે.

રાજ્યની હોસ્પિટલો ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિમાં જોડાય અને વધુમાં વધુ પ્રમાણમાં ઓર્ગન ડોનેશન થાય તે હેતુથી ઓર્ગન ડોનેશન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ માટે રૂ. 50,000 સુધીની સહાય આપવામાં આવે છે. (દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ અંગની પ્રાપ્તિ ન થાય ત્યા સુધી જે કોઇપણ મેડીકલ સારવાર આપવામાં આવે તે અંગેના ખર્ચ માટે) જો પ્રાઈવેટ રીટ્રીવલ હોસ્પિટલમાં અંગદાતા હોય તો તેમના અંગોની ફાળવણી 1, 3 અને 5 ક્રમાંક ઉપર પ્રાઈવેટ હોસ્પિટલોને કરવામાં આવે છે. 2 અને 4 નંબરના અંગોની ફાળવણી સરકારી હોસ્પિટલોને કરવામાં આવે છે. જો સરકારી હોસ્પિટલમાં અંગદાતા હોય તો તેમના અંગોની ફાળવણી 1, 3 અને 5 ક્રમાંક ઉપર સરકારી હોસ્પિટલોને કરવામાં આવે છે. 2 અને 4 નંબરના અંગોની ફાળવણી પ્રાઈવેટ હોસ્પિટલોને કરાય છે.

જો મેડીસીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલમાં અંગદાતા પ્રાપ્ત હોય તો તેના અંગોની ફાળવણી મેડીસીટી કેમ્પસમાં આવેલ હોસ્પિટલોને કરવામાં આવે છે.

ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલો જેમને સ્ટેટ એપ્રોપ્રિએટ ઓથોરાઈઝેશન કમિટિ દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલોને SOTTO- ગુજરાત અને  NOTTO દિલ્હી દ્વારા લોગીન આઇ.ડી. અને પાસવર્ડ આપવામાં આવે છે.

અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માંગતા દર્દીઓએ અંગદાનની પ્રતિક્ષા(વેઇટીંગ) યાદીમાં નામ નોંધાવવા માટે ટ્રાન્સપ્લાન્ટ કરતી આ હોસ્પિટલો પૈકી કોઇ એકનો સંપર્ક કરી તેમની નોંધણી SOTTO- ગુજરાત અને NOTTOની વેબસાઇટ ઉપર ઓનલાઈન કરાવવાની હોય છે.

રાજ્યમાં અંગદાન મેળવવા માંગતા દર્દીને તેના શારિરીક તકલીફના સ્કોરના આધારે મેરીટ પ્રમાણે જેમ જેમ અંગ મળે તે મુજબ અંગ પ્રત્યારોપણ કરવામાં આવતુ હોય છે.

Advertisement
Tags :
Advertisement