દેશમાં ડિસેમ્બર 2024 સુધીમાં કુલ 118.99 કરોડ ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ નોંધાયાં
TRAIના રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024માં ભારતમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર બેઝ નજીવો વધીને 118.99 કરોડ થયો છે, જેમાં Jio એ મોબાઇલ અને ફિક્સ્ડ લાઇન સેગમેન્ટ બંનેમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર ઉમેર્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અનુસાર, નવેમ્બરમાં કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ 118.71 કરોડ હતા. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 47.65 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે સૌથી આગળ છે, ત્યારબાદ ભારતી એરટેલ 28.93 કરોડ અને વોડાફોન આઈડિયા 12.63 કરોડ સબ્સ્ક્રાઇબર્સ સાથે બીજા તથા ત્રીજા ક્રમે છે.
નવેમ્બરમાં શહેરી ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સ 65.98 કરોડથી વધીને ડિસેમ્બરમાં 66.33 કરોડ થયા, જ્યારે ગ્રામીણ સબ્સ્ક્રાઇબર્સ 52.72 કરોડથી ઘટીને 52.65 કરોડ થયા હતા. વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા નવેમ્બર 2024 માં 114.86 કરોડથી વધીને ડિસેમ્બર 2024 માં 115.06 કરોડ થઈ, જે માસિક 0.17 ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે. ડિસેમ્બરના અંતમાં વાયરલેસ કનેક્શન ઘનતા વધીને 81.67 ટકા થઈ ગઈ, જે નવેમ્બરના અંતમાં 81.59 ટકા હતી.
દરમિયાન રિલાયન્સ જિયોએ 39,06,123 વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જ્યારે ભારતી એરટેલે 10,33,009 સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. ડેટા અનુસાર, વોડાફોન આઈડિયાએ 17,15,975 વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. આ ઉપરાંત BSNL અને MTNL એ પણ અનુક્રમે 3,16,599 અને 8,96,988 વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. ખાનગી એક્સેસ સર્વિસ પ્રોવાઇડરોનો વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સમાં 91.92 ટકા હિસ્સો હતો, જ્યારે BSNL અને MTNLનો બજાર હિસ્સો ફક્ત 8.08 ટકા હતો.