For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં આનંદનગરમાં ગત રાતે ત્રણ માળનું મકાન તૂટી પડ્યું, યુવાનનું મોત

04:52 PM Oct 14, 2025 IST | Vinayak Barot
ભાવનગરમાં આનંદનગરમાં ગત રાતે ત્રણ માળનું મકાન તૂટી પડ્યું  યુવાનનું મોત
Advertisement
  • ચાર દાયકા જુની હાઉસિંગ બોર્ડની વસાહત જર્જરિત બની ગઈ છે,
  • રાત્રે ધડાકા સાથે મકાન તૂટી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા,
  • પતિ-પત્નીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરઃ  શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી ચાર દાયકા જુની હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા બસસ્ટેન્ડ પાસે આવેલુ ત્રણ માળનું જર્જરીત મકાન ગતમોડીરાત્રે ધડાકા સાથે તૂટી પડયુ હતું. આ ઘટનામાં એક યુવાનનું મોત થયુ છે. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં સવજીભાઈ બારૈયા અને વસંતબેનને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગરના આનંદનગર વિસ્તારમાં ગુણાતીતનગર સોસાયટી પાસે હાઉસીંગ બોર્ડની વસાહતમાં આવેલું ત્રણ માળનું એક જૂનું અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જતાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનામાં 19 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું, મૃતકની ઓળખ કરણ સવજીભાઇ બારૈયા તરીકે થઇ હોવાનું જાણવા મળ્યું છે, જે કાટમાળ નીચે દબાઈ ગયો હતો.

ઇજાગ્રસ્તોમાં સવજીભાઈ બારૈયા અને તેમના પત્ની વસંતબેનનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક શહેરની સર ટી. (S.T.) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ અને ત્રણ જેસીબી મશીનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને કાટમાળ ખસેડી દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. આ ગમખ્વાર દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલ, કમિશનર મીના, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રાજુ રાબડીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ મકાન અત્યંત જૂનું અને જર્જરિત હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વચ્ચે વર્ષોથી જર્જરીત મકાનો ભયમુક્ત કરવા માટેનો વિવાદ ચાલે છે. ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 1177 મકાનો જર્જરીત અવસ્થામાં છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ જર્જરીત મકાનોને ભયમુક્ત કરવા માટે દર વર્ષે નોટિસો આપવામાં આવે છે પરંતુ બંને વિભાગો વચ્ચે જવાબદારીની ખો ને કારણે આનંદનગર વિસ્તારમાં ગુણાતીતનગરમાં ત્રણ માળનું ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન ધરાસાઈ થયું હતુ.

Advertisement
Tags :
Advertisement