અમદાવાદના સૈજપુર બોઘામાં એક્ટિવાની ડેકી તોડી ગઠિયો 4 લાખ ઉઠાવી ગયો
- યુવાન એક્ટિવા પાર્ક કરીને ટ્રેડિંગ કંપની ગયો અને ગઠિયાએ ચોરી કરી,
- આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને એક્ટિવાની ડેકીમાં મુક્યા હતા,
- કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી,
અમદાવાદઃ શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટરની ડેકીમાંથી રૂપિયા 4 લાખની ચોરીનો બનાવ બન્યો છે. ટ્રેડિંગની દુકાનમાં નોકરી કરતો યુવાન આંગડિયા પેઢીમાંથી રૂપિયા 4 લાખ લઈને એક્ટિવા સ્કૂટરની ડેકીમાં મુકીને સૈજપુર બોઘા વિસ્તારમાં આવીને એક્ટિવા સ્કૂટર પાર્ક કરીને અન્ય એક ટ્રેડિંગ કંપનીમાં કોઈ કામ અર્થે ગયો હતો. પરત આવ્યો ત્યારે પાર્ક કરેલા એક્ટિવાની ડેકીમાંથી 4 લાખની રોકડ રૂપિયાની ચોરી થયાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે ગુનોં તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સૂર્ય સાગર ફ્લેટમાં રહેતા હર્ષિપ ઠક્કરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાર લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. હર્ષિપ સંયુક્ત પરિવારમાં રહે છે અને તેને પિતરાઈ ભાઈની બાપુનગર ખાતે આવેલી જલારામ ટ્રેડિંગ નામની દુકાનમાં નોકરી કરે છે. સવારે 11 વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધીને હર્ષિપનો નોકરીનો સમય છે. થોડા દિવસ પહેલા હર્ષિપ નોકરી પર હાજર હતો, ત્યારે તેના પિતરાઈ ભાઈએ કહ્યું હતું કે મારી તબીયત ખરાબ છે એટેલે તું બાપુનગર ખાતે ડાયમંડ માર્કેટમાં આવેલી આર.કે.આંગડીયા પેઢીમાંથી ચાર લાખ રૂપિયા લેતો આવજે. આથી બાપુનગર આગડીયા પેઢીમાંથી ચાર લાખ રૂપિયા હર્ષિપે લીધા હતા અને એક્ટિવાની ડેકીમાં મુકીને સૈજપુર બોઘા ગયા હતા. સૈજપુર બોધા ફોજદારની ચાલી પાસે એચ.પી.ટ્રેડર્સ નામની શોપ આવેલી છે જ્યાં તેના ભાઈના કહેવાથી ગયો હતો. ત્યારે કોઈ ગઠિયો ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો. ગઠિયાએ એક્ટીવાની ડેકી તોડી નાખી હતી અને તેમાં રહેલા ચાર લાખ રૂપિયા ચોરી લીધા હતા. દરમિયાન હર્ષિપ શોપથી કામ પતાવીને બહાર આવ્યો ત્યારે તેને એક્ટિવાની ડેકી ખોલીને જોયું તો ડેકીમાં મુકેલા ચાર લાખ રૂપિયા ગાયબ હતા અને લોક પણ તુટેલું હતું. હર્ષિપ ગભરાઈ ગયો હતો અને ભાઈને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. હર્ષિપને ગામડે જવાનું હોવાથી તે જતો રહ્યો હતો જ્યારે તેના ભાઈએ ફરિયાદ કરવાનું કહ્યું હતું. હર્ષિપ અમદાવાદ આવતાની સાથે જ પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચી ગયો હતો. કૃષ્ણનગર પોલીસે સમગ્ર મામલે હર્ષિપની ફરિયાદના આધારે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.