સુરતમાં વીજ હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતાં કિશોરને કરંટ લાગતા મોત
- સુરતના સચિન વિસ્તારમાં બન્યો બનાવ
- પતંગ હાઈટેન્શન લાઈનમાં ફસાયો હતો
- પતંગ કાઢવા જતાં દોરીમાં કરંટ ઉતરતા બ્લાસ્ટ થયો,
સુરતઃ ઉત્તરાણને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં વીજળીની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા 13 વર્ષીય કિશોર દાઝી જતા મોત નિપજ્યું હતું. શહેરના સચિન વિસ્તારમાં 13 વર્ષીય કિશોર હાઈટેન્શન વીજલાઈનમાંથી પતંગ કાઢવા જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. વીજ કરંટ લાગ્યા બાદ દાઝી ગયેલા કિશોરને સિવિલ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કિશોરના પિતાના કહેવા મુજબ મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી ત્યારબાદ દોરીમાં પાવર આવી ગયા બાદ બ્લાસ્ટ થયો હતો.
આન બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના સચિન વિસ્તારના ક્રિષ્ના નગરમાં પીન્ટુ ચૌધરી રહે છે અને સચિનની મિલમાં મજૂરી કામ કરી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર સંતાનોમાં મોટો દીકરો પ્રિન્સ (ઉ.વ.13) ગઈકાલે સ્કુલેથી આવ્યા બાદ ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો.એક કલાક પછી પ્રિન્સની ચિચયારી સાંભળી પરિવારજનો દોડીને ગયા તો પ્રિન્સ મકાન બહારથી જતી હાઈટેન્શન લાઈનના કરંટથી ગંભીર રીતે દાઝી ગયો હતો. તપાસ કરતા ખબર પડી કે પ્રિન્સ 18000 વોટની હાઈટેન્શન લાઈનમાંથી પતંગ કાઢવા જતા વીજ કરંટથી દાઝી ગયો હતો. 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવતા તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવીને દાખલ કરી દીધો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પ્રિન્સના પિતાએ જણાવ્યું હતું કે, મારો દીકરો પતંગ ચગાવી રહ્યો હતો. ત્યાં નજીકમાં જ હાઈ ટેન્શન લાઈન આવેલી છે. મારા દીકરાનો પતંગ લાઇનમાં ફસાઈ ગયો હતો. તેને કાઢવા જતા દોરીમાં પાવર આવી ગયો હતો અને બ્લાસ્ટ થયો હતો અને તે દાઝી ગયો હતો. ત્યારબાદ તેને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી હતી જો કે તેણે સવારે દમ તોડી દીધો હતો.