અમરેલીમાં નરાધમ શિક્ષકે શાળામાં બે બાળકી પર દૂષ્કર્મ કર્યું
- ચાલુ શાળાએ બે માસુમ બાળકીઓને દારૂ પીવડાવીને દુષ્કર્મ કરતા હોબાળો મચ્યો
- લંપટ શિક્ષકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો
- શહેર-જિલ્લાની શાળાઓમાં અઠવાડિયામાં બે બનાવો બન્યા
અમરેલીઃ જિલ્લામાં શિક્ષણ જગતને કલંકિત કરનારી એક પછી એક ઘટના બની રહી છે. તાજેતરમાં વંડામા બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યનો બનાવ પ્રકાશમાં આવ્યા બાદ અમરેલીમા નરાધમ શિક્ષકે ચાલુ શાળાએ દારૂના નશામા બે બાળકીને દારૂ પીવડાવીને વારંવાર દુષ્કર્મ આચરતા લોકોના ટોળાએ ભેગા થઇ શિક્ષકને પોલીસના હવાલે કર્યો હતો અને ગઈ મોડી સાંજે પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં પ્રિન્સિપાલ ઉપરાંત મહેન્દ્ર કાવઠીયા નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સિપાલ રજા પર હતા અને શાળામાં શિક્ષક એકલો હતો ત્યારે રીસેસમા રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ પકડી પાડ્યો હતો. આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો. બાળકીના વાલીએ આક્ષેપ કર્યો હતો કે તે સ્કુલમા જ દારૂ પીએ છે અને એક માસુમ બાળકીને પણ બે દિવસ પહેલા દારૂ પીવડાવ્યો હતો જેના કારણે તેને ઊલટી થઇ હતી. બે દિવસ પહેલા એક બાળકીએ ઘરે આવીને તેના વાલીને રડતા રડતા તેની સાથે શું થઇ રહ્યું છે તેની વાત કરી હતી. જેને પગલે આજે બપોરે વાલીઓ અને અન્ય લોકોએ રીસેસમા સ્કુલે પહોંચી દરવાજો ખેાલ્યો ત્યારે આ શિક્ષકના કપડા અસ્તવ્યસ્ત હતા. અને દરવાજો ખોલતા તેણે એક બાળકીને પોતાના પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી.
શાળામાં શિક્ષકને કઢંગી હાલતમાં જોતા જ વાલીઓ ઉશ્કેરાયા હતા. દરમિયાન શિક્ષક નાસી ન જાય તે માટે યુવાનોએ ફરતા તમામ રસ્તા પર પહેરો ગોઠવી દીધો હતો. અને બાદમા પોલીસને બોલાવી તેના હવાલે કરાયો હતો. વાલીઓએ કહ્યું હતુ કે તેની પાસેથી પ્રિન્સિપાલના રૂમમાથી દારૂની બે બોટલ પણ ઝડપાઇ હતી. આ શિક્ષકે પોતે એક ભાડાનો શિક્ષક રાખ્યો હતો જે તેના બદલે કલાસરૂમમા બાળકોને ભણાવતો પણ હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે, આ બારામા શિક્ષક સામે ગુનો નોંધવા પ્રક્રિયા શરૂ કરાઇ છે.
વાલીઓએ જણાવ્યું હતું કે, આ શિક્ષક દ્વારા મારી દીકરી અને પાડોશીની દીકરી સાથે છેલ્લા આઠ દિવસથી આવુ કૃત્ય કરવામા આવતુ હતુ. ગઇકાલે સાંજે રડતા રડતા મારી પુત્રીએ આખી વાત કરી હતી. આ શિક્ષકને રંગેહાથ પકડવા અમે બાળકીને આજે શાળાએ મોકલી હતી. બપોરના સમયે રીસેસમા તેણે રૂમનો દરવાજો બંધ કર્યો હતો. અમે પરિવારના લોકો તે સમયે સ્કુલમા ગયા હતા. દરવાજો ખોલતા જ અમારી બાળકીને તેણે પગ પાસે ટેબલ નીચે સંતાડી દીધી હતી. આ શિક્ષક નશો કરેલી હાલતમા હતો અને મારી પુત્રી સાથે ખરાબ કામ કરી રહ્યો હતો. તેના કપડા અસ્તવ્યસ્ત હતા. બે દિવસ પહેલા તેણે મારી પુત્રીને દારૂ પીવડાવ્યો હતો. તને શરદી છે અને શીરપ આપુ છું તેમ કહી દારૂ પીવડાવતા મારી પુત્રીને ઉલ્ટીઓ થઇ હતી. અમે પ્રિન્સિપાલની ઓફિસમાથી દારૂની બે બોટલ પકડીને પોલીસને સોંપી છે. અને આ શિક્ષક ફરજ પર હતો ત્યારે પણ પીધેલી હાલતમાં હતો. શિક્ષક છાત્રાઓને મોબાઇલ પર ગંદી ફિલ્મો બતાવતો હતો, પોલીસને શિક્ષકનો મોબાઈલફોન તપાસવા માટે પણ વિનંતી કરી છે