લૂણાવાડામાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ નાનાભાઈને નજીવી બાબતે છરી મારી હત્યા કરી
- માતા-પિતા વિના એકલા રહેતા બન્ને ભાઈઓ વચ્ચે તૈયાર થવા બાબતે ઝગડો થયો હતો,
- ધો. 11માં ભણતા મોટાભાઈને ધો. 8માં ભણતા નાના ભાઈ સાથે ઝઘડો થયો હતો,
- ત્રણેય ભાઈઓ લૂણાવાડમાં ભાડે મકાન રાખીને ભણવા માટે રહેતા હતા
લૂણાવાડાઃ શહેરમાં ભાડાના મકાનમાં રહીને શાળામાં ભણી રહેલા એક જ પરિવારના ત્રણ બાળકોમાંથી બે બાળકો વચ્ચે વહેલી સવારે તૈયાર થવાની સામાન્ય બાબતમાં ઝઘડો થતાં એક ભાઈએ બીજા ભાઈને છરી મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીએ તેના ધોરણ 8માં ભણતા નાના ભાઈને છરીના ઘા મારીને હત્યા કરતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી સ્કૂલ જવા માટે તૈયાર થવા બાબતે ઝઘડો થતાં એક સગાભાઈએ બીજા ભાઈની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. લુણાવાડામાં એક જ પરિવારના ત્રણ ભાઈઓ માતા-પિતા કે કોઈ સગા સંબંધી વિના એકલા ભાડાના મકાનમાં રહેતા હતા અને જેમાં જાતે ઘરકામ કરીને અભ્યાસ કરતા હતા. દરમિયાન વહેલી સવારે તૈયાર થવાની બાબતમાં ઝઘડો થતાં, એક ભાઈએ અન્ય નાના ભાઈને છરી મારી દેતા તેનું મોત નીપજ્યું છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, લુણાવાડામાં અભ્યાસ અર્થે ભાડાના મકાનમાં ત્રણ ભાઈઓ રહેતા હતા. જેમાં એક બાળક ધોરણ -8માં અભ્યાસ કરતો હતો અને જે હાલ 12 વર્ષનો હતો, જ્યારે બીજો ભાઈ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો અને સૌથી નાનો ભાઈ ધોરણ -2માં અભ્યાસ કરતો હતો. જેમાંથી ધોરણ 8 તથા ધોરણ 11માં ભણતા આ બે ભાઈઓ વચ્ચે આ લોહિયાળ ખેલ ખેલાયો છે. વહેલી સવારે સ્કૂલે જવા માટે તૈયાર થવાની બાબતમાં આ બે ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડામાં ઝપાઝપી શરુ થઈ હતી, ત્યારે ધોરણ 11માં અભ્યાસ કરનારા ભાઈએ ધોરણ 8માં ભણતા નાના ભાઈ પર છરી વડે છાતી પર હુમલો કર્યો હતો. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરાઈ હતી. જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. બાદમાં ઘટનાસ્થળે પોલીસે પહોંચીને લોહીલુહાણ હાલતમાં મૃત બાળકને પી.એમ. અર્થે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, વહેલી સવારે બંને સગા ભાઈ વચ્ચે ઝઘડો થતાં એક ભાઈએ બીજા ભાઈ સાથે ઝપાઝપીમાં એક નાના ભાઈનું મોત નીપજ્યું છે. આ મકાનમાં ભાડે રહેતા એક જ પરિવારના ત્રણ બાળકોમાંથી બે બાળકો વચ્ચે શનિવારે સ્કૂલ જવા માટે વહેલી સવારે ઉઠ્યા હતા અને સ્કૂલ જવાની ઉતાવળમાં તૈયાર થવાની બાબતમાં બે સગા ભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડો ઉગ્ર બનતા મોટા ભાઈએ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે.