રાજકોટમાં પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત
- ધો.12ની વિદ્યાર્થિની પર ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા,
- પોલીસે ડમ્પરચાલક સામે ગુનોં નોધ્યો,
- અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી ગયો
રાજકોટઃ શહેરમાં પૂર ઝડપે અને બેફામ ચાલતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જુના માર્કેટ યાર્ડ નજીક બન્યો હતો. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધુ હતું. જેથી એકટિવાસવાર બન્ને બહેનો રોડ પર પટાકાઈ હતી. જેમાં ધો.12ની વિદ્યાર્થિનીના કમર પર ડમ્પરના તોતિંગ વ્હિલ ફરી વળતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની નાની બહેનને સામાન્ય ઇજા સાથે તેનો બચાવ થયો છે. આજીડેમ પોલીસે તપાસ કરતા માર્કેટિંગ યાર્ડ નજીક શાળામાંથી છુટી બન્ને બહેનો ઘેર જતી હતી તે દરમિયાન આ બનાવ બન્યો હતો. પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના આજીડેમ ચોકડી પાસે શ્રી રામપાર્કમાં રહેતી અનુપ્રિયા પ્રિયાંસી પૂર્વન્દ્ર કુમારસીંગ (ઉ.વ.17) અને તેની નાની બહેન શકિતસુપ્રિયા (ઉ.વ.14) માર્કેટિંગ યાર્ડ નજીક મઝહર સ્કૂલેથી છુટીને એક્ટિવામાં ઘેર જતી હતી તે દરમિયાન માર્કેટિંગ યાર્ડ પાસે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે ઠોકરે લેતા બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી જેમાં ગંભીર રીતે ઘવાયેલી અનુપ્રિયા પ્રિયાંસીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસની તપાસમાં મૃતક અનુપ્રિયા ધો.12માં અને તેની નાની બહેન શક્તિસુપ્રિયા ધો.9માં અભ્યાસ કરતી હોય તેમજ બે બહેનો અને એક ભાઇમાં મોટી અને પરિવાર માટે આશાસ્પદ પુત્રી હોવાનું તેમજ તેના પિતા કારખાનામાં નોકરી કરે છે અને મૂળ બિહારના વતની છે. અને છેલ્લા 20 વર્ષથી પરિવારજનો રાજકોટમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માત બાદ ડમ્પર મૂકી નાસી જનારા ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.