વડોદરા-ભરૂચ હાઈવે પરના કરજણ ટોલનાકા પર ટોલના દરોમાં તોતિંગ વધારો
- કાર માટે રૂપિયા 105માંથી સીધા 155 કરાયા,
- મીની બસના રૂપિયા 245 અને ટ્રક-બસના 515 વસુલાશે,
- એકાએક ટોલના દર વધારાતા વાહનચાલકોમાં રોષ
વડોદરાઃ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દર ત્રણ વર્ષે ટોલના દરોમાં વધારો કરવામાં આવતો હોય છે. ઘણાબધા ટોલ પ્લાઝા એવા છે, કે વર્ષાથી ટોલ ઉધરાવવામાં આવી રહ્યો છે. કરોડો રૂપિયાનો ટોલ ઉઘરાવ્યા બાદ પણ બે-ત્રણ વર્ષે ટોલમાં વધારો ઝીંકવામાં આવે છે. ત્યારે વડોદરા-ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે નંબર-48 પર કરજણ નજીક ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં 67 ટકા જેટલો તોતિંગ વધારો કરી દેવાયો છે. કાર માટે અત્યાર સુધી રૂ.105 વસૂલવામાં આવતા હતા પરંતુ હવે રૂ.155 વસુલાશે. આ ટોલ વધારા સામે વાહનચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા નેશનલ હાઈવે પરના ભરથાણા ગામ પાસેના ટોલ પ્લાઝા પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. ભરૂચ, સુરત તેમજ મુંબઇ જવા માટે તેમજ વડોદરા તરફ આવવા માટે આ ટોલ બુથ પરથી પસાર થવું પડે છે. સિક્સ લેન રોડ પર ભરથાણા ટોલ પ્લાઝા પર ગત રાત્રે 12 વાગ્યાથી જ ટોલના દરમાં વધારો કરી દેવાયો છે. આ ટોલ પ્લાઝા પર હવે નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરવામાં આવેલા નવા દર મુજબ ટોલની વસૂલાત કરવામાં આવી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા તા.1 જુલાઇ 2021માં ટોલના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી વધારો કરાયો ન હતો પરંતુ હવે ટોલના દરોમાં વધારો કરાતા નવા દર મુજબ વાહનચાલકો પાસેથી ટોલની વસૂલાત કરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં આ ટોલ પ્લાઝા પર ટોલના દર જુલાઇથી અમલમાં આવતા હોય છે પરંતુ આ વખતે જુલાઇ માસ વિતી ગયા બાદ છેક નવેમ્બરમાં તેનો અમલ કરવામાં આવી રહ્યો છે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરમાં રહેતી વ્યક્તિઓ માટે માસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે માસિક પાસ રૂ.340નો રહેશે. ટોલનો નવો દર જોઈએ તો કાર, જીપ, વાન માટે રૂપિયા 155, મીનીબસ માટે રૂપિયા 245 અને ટ્રક - બસ માટે 515 ચૂકવવા પડશે. ટોલ પ્લાઝા પર બેથી વધારે એક્સેલ કોમર્શિયલ વાહનો માટે અત્યાર સુધી રૂ.580 ટોલની વસૂલાત થતી હતી પરંતુ હવે દરેક એક્સેલ વાહનો માટે અલગ અલગ ટોલના દરો નક્કી કરાયા છે.