પાલનપુર-ડીસા હાઈવે પર પૂરફાટ ઝડપે કારે ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ગુલાટ મારી
- કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત,
- કારમાં સવાર બે વ્યક્તિઓ અને બાઈકસવારનો આબાદ બચાવ,
- અકસ્માતનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો
પાલનપુરઃ હાઈવે પર પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાલનપુર-ડીસા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હતી. આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ અને બે બાઈક સવારોનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, પાલનપુરથી ડીસા તરફ જઈ રહેલી એક કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ડિવાઈડર કૂદીને ડીસાથી પાલનપુર તરફના રોડ પર આવી ગઈ હતી અને ગુલાટી મારી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સવાર બે વ્યક્તિઓમાંથી ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. જોકે, આ જ સમયે સામેથી આવી રહેલા બે બાઈક સવારોનો પણ ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, એક કાર પૂરઝડપે આવી રહી છે અને અચાનક ડિવાઈડર સાથે અથડાઈને હવામાં ઉછળીને બીજા ટ્રેક પર પલટી મારે છે. આ દ્રશ્યો જોઈને અકસ્માતની ભયાવહતાનો અંદાજ લગાવી શકાય છે.