અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લીધે મુંબઈથી ખાસ ટ્રેન દોડાવાશે
- કોલ્ડપ્લે કોન્સર્ટને માણવા મુંબઈથી પ્રવાસીઓ ઉમટી પડશે
- પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રેલવે ખાસ ટ્રેન દોડાવશે
- બે દિવસ અમદાવાદ-મુંબઈ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન
અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા. 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ શોને જોવા માટે યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડશે. કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે અમદાવાદમાં મોટાભાગની હોટલોમાં બુકિંગ ફુલ થઈ ગયા છે. કોલ્ડપ્લે કોન્સર્ટ માણવા માટે દેશ-વિદેશમાંથી હજારો લોકો અમદાવાદ આવશે. જેમાં મુંબઈથી મોટી સંખ્યામાં લોકો આવશે. જેને લઈ પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનલ- અમદાવાદ અને અમદાવાદ-બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 25 જાન્યુઆરી 2025ના 09091 બાંદ્રા ટર્મિનલ- અમદાવાદ વિશેષ ટ્રેન દોડાવાશે. જેમાં ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનલ 6.15 કલાકે બાંદ્રા ટર્મિનલ ઉપડશે અને બપોરના 2 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. જ્યારે ટ્રેન નંબર 09092 અમદાવાદ- બાંદ્રા ટર્મિનલ 26 જાન્યુઆરીના અમદાવાદથી 1.40 કલાકે ઉપડશે અને 8.40 કલાકે બાંદ્રા પહોંચાડશે. જ્યારે 26 જાન્યુઆરીના ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનલ- અમદાવાદ વિશેષ ટ્રેન દોડાવાશે. જેમાં ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનલ 6.15 કલાકે બાંદ્રા ટર્મિનલ ઉપડશે અને બપોરના 1 વાગ્યે અમદાવાદ પહોંચાડશે. જ્યારે ટ્રેન નંબર 09006 અમદાવાદ- બાંદ્રા ટર્મિનલ 27 જાન્યુઆરીના અમદાવાદથી 12.50 કલાકે ઉપડશે અને 8.30 કલાકે બાંદ્રા પહોંચાડશે. વિશેષ ટ્રેનનું બોરીવલી, વાપી, ભરૂચ, વડોદરા સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ કોલ્ડપ્લે કોન્સર્ટમાં પોતાના વાહન લઈને આવનારા લોકોને હાલાકી ના ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પાર્કિંગ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની આસપાસ 13 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 9 સ્થળોએ 4-વ્હીલર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. 4 સ્થળોએ 2-વ્હીલર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. 5000 ફોર-વ્હીલર વાહન પાર્કની વ્યવસ્થા કરવામાં આવી છે અને 10 હજાર ટુ વ્હીલરના પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 15 હજાર વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.