ગાંધીનગરમાં 4.50 કરોડના ખર્ચે ખરીદાયેલુ સ્નોરકેલ તંત્રના વાંકે ભંગાર બની ગયું
- તાલીમ માટે અધિકારીઓને પેરિસ પણ મોકલાયા હતા
- હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે સ્નોરકેલનો ઉપયોગ કરાતો હતો
- એક કરોડનો ખર્ચ કરાયા બાદ સ્નોરકેલ બંધ હાલતમાં ભંગાર બની ગયું
ગાંધીનગરઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. અને ગિફ્ટસિટી ઉપરાંત અનેક વિસ્તારોમાં હાઈરાઈઝ બિલ્ડિંગો બન્યા છે, તો ઘણાબધા બિલ્ડિંગોના કામો ચાલી રહ્યા છે. હાઈરાઈઝ બિલ્ડિગોમાં આગ લાગે ત્યારે તેને પહોંચી વળવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રૂપિયા 4.50 કરોડના ખર્ચે સ્નોરકેલ ખરીદવામાં આવ્યું હતું. અને તે સમયે સ્નોરકેલની તાલિમ માટે મ્યુનિ.ના ફાયર અધિકારીઓને પેરીસ પણ મોકલવામાં આવ્યા હતા. દરમિયાન ઘણા વખતથી સ્નોરકેલ બંધ હાલતમાં પડ્યુ છે. ગયા વર્ષે મ્યુનિએ એક કરોડનો ખર્ચ કરવા છતાંયે હાલ સ્નોરકેલ ચાલુ હાલતમાં નથી. અને ભંગાર બની ગયું છે. હાલ એવી સ્થિતિ છે. કે જો બહુમાળી બિલ્ડિગમાં આગ લાગે તો અમદાવાદના ફાયર વિભાગ પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આગની ઘટનાને પહોચી વળતા માટે સાડા ચાર કરોડના ખર્ચે સ્નોરકેલ વાહન ખરીદવામાં આવ્યુ હતુ. વાહનની મરામત માટે ગત વર્ષે એક કરોડ રૂપિયા ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ખર્ચ પાણીમાં ગયો છે. 45 મીટર ઉંચાઇ સુધી આગ બુઝાવવા માટે ઉપયોગી વાહનની તાલીમ માટે અધિકારીઓને પેરીસ પણ મોકલવામાં આવ્યા હતા, છતા હાલમાં સ્નોરકેલ ભંગાર હાલતમાં પડ્યુ છે.
ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ શહેર અને જિલ્લા ઉપરાંત પડોશી જિલ્લાઓમાં લાગતા આગના બનાવમાં ઉપયોગી થાય છે. આગના મોટા બનાવમાં તાત્કાલિક ગાંધીનગર ફાયરની ટીમને દોડાવવામાં આવે છે. ગાંધીનગર શહેરનો વિકાસ થતા હવે વિસ્તાર વધ્યો છે અને બિલ્ડીંગની ઉંચાઇઓ પણ વધી છે. આ સ્થિતિમાં આગના બનાવને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડમાં સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરીને સ્નોરકેલ ખરીદવામાં આવ્યું હતું. જે માટે તત્કાલીન અધિકારીઓને તાલીમ માટે પેરિસ પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારે 45 મીટર ઊંચાઈ સુધી પહોંચીને આગ કાબુમાં લઈ શકતા આ સ્નોરકેલ પાછળ ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તમામ ખર્ચો હાલ પાણીમાં ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્નોરકેલ મશીન બંધ હાલતમાં ફાયર બ્રિગેડના કમ્પાઉન્ડમાં પડી પડી સડી રહ્યું છે.
ગાંધીનગર શહેર તેમજ અન્ય વિસ્તારની ઊંચી ઇમારતમાં કોઈ આગ અકસ્માતની ઘટના બને તો ત્યાં તાત્કાલિક ઉંચાઇ ઉપર પહોંચવા માટે ફાયર બિગેડ પાસે અન્ય કોઈ સાધન છે જ નહીં. પરિણામે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિમાં મ્યુનિના અધિકારીઓ પણ ફાયર બ્રિગેડમાં કરોડો રૂપિયાના સાધનોની શું સ્થિતિ છે તે જોવાની તસ્દી પણ લેતા નથી.