સંસદના સંકુલમાં BJP-I.N.D.I.A. ના સાંસદો વચ્ચે પ્રદર્શનને લઈને મામલો બિચક્યો, BJPના MP ઘાયલ
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 19 માં દિવસે પણ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા તેમજ રાજયસભા આવતીકાલ સુધી સ્થગતિ કરવામાં આવી છે. બંને ગહમાં બાબા સાહેબના "સન્માન" અંગે પક્ષ અને વિપક્ષે આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. સંસદ સંકુલમાં ભાજપ અને ઈન્ડી ગઠબંધનના સાંસદો સામે આવી ગયા હતા, આ દરમિયાન થયેલી ધક્કા-મુકીમાં ભાજપના સાંસદ ઈજાગ્રસ્ત થયાં હતા. સાંસદને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન આ મામલે ભાજપ-કોંગ્રેસના સાંસદો સામે આવી ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજાગ્રસ્ત ભાજપના સાંસદના આરોગ્યને લઈને પૃચ્છા કરી હતી.
સંસદ સંકુલમાં ભાજપના સાંસદો દ્વારા કોંગ્રેસ સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઈન્ડી ગઠબંધન દ્વારા પણ સંસદમાં માર્ચ કરવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન ભાજપ સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. સાંસદ મૂકેશ રાજપૂતને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભાજપ નેતા કિરણ રીજિજૂએ રાહુલ ગાંધી પર ધક્કા મુક્કીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ પ્રદર્શન દરમિયાન તાકાતનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે સંસદ ભવન અખાડો નથી. દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી શાંતિપૂર્ણ રીતે બીઆર આંબેડકરનો ફોટો લઈને સંસદમાં જઈ રહ્યા હતા અને જય ભીમના નારા લગાવી રહ્યા હતા. તેમને સંસદમાં જતા કોણે રોક્યા? અમે આટલા દિવસોથી શાંતિથી વિરોધ કરી રહ્યા છીએ. શાસક પક્ષ કેમ જય ભીમ નથી બોલતા?