અમદાવાદમાં આચાર્ય યુગભૂષણસૂરિજી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઔર’ વિદ્વત સંમેલન યોજાશે
અમદાવાદઃ શહેરના પાલડીના ગીતાર્થ ગંગામાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર”નું ત્રીજુ સંમેલન તા. 14 અને 15મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી 2 વખત મુંબઈ અને વડોદરામાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ ન્યાય અને આધ્યાત્મના સમન્વય દ્વારા સમકાલીન વૈશ્વિક શાસન વ્યવસ્થા સામેના પડકારોનું સમાધાન કરવાનો છે.
સંમેલનના પ્રથમ દિવસે કાનૂની માધ્યમ: “સાર્વભૌમત્વ, મૂળભૂત માળખાકીય સિદ્ધાંત, અને બિનસાંપ્રદાયિકતા” અને બીજા દિવસે “ભૂ ભૌગોલિક, રાજકીય માધ્યમ વૈશ્વિક વિશ્વાસ, બહુપક્ષીયતા અને વિશ્વબંધુ ભારતની ભૂમિકા” વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનનું વર્તુળ મુખ્યત્વે તેમના આધ્યાત્મિક અને બિનસાંપ્રદાયિક શાસન વિશેના જ્ઞાન પર રહેશે. આ સંમેલનમાં આધ્યાત્મિક સંશોધન સંસ્થા ગીતાર્થ ગંગા ખાતે 108 જેટલી બાબતો પર તૈયાર થઈ રહેલા 15 હજાર વિષય વસ્તુના જ્ઞાનકોષના અતુલનીય સંશોધનનો પણ આ સંમેલનમાં સહભાગીઓને લાભ પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ એમ. આર. શાહ, સુપ્રીમ કોર્ટના વકીલ આર્યમા સુન્દરમ્, ગોપાલ શંકર નારાયણ અને દેવદત્ત કામત, ભારતની સર્વોચ્ચ અદાલતના સોલિસિટર જનરલ વિક્રમજીત બેનર્જી, ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ દેવાંગ નાણાવટી, ઇન્ડિયા ફાઉન્ડેશનના નિર્દેશક અશોક બંસલ, ભૂતપૂર્વ રાજદૂત અને ઇન્ડિયન ફોરેન અફેર્સ જર્નલના સંચાલક અચલ મલ્હોત્રા, બેરિસ્ટર અને કન્સલ્ટન્ટ, વિધર્સ LLP- લંડન ડૉ.અનિરુદ્ધ રાજપૂત, પ્રતિષ્ઠિત કાનૂની-જીઓ પોલિટિકસ ક્ષેત્રના દિગ્ગ્જ્જો પણ આ સંમેલનમાં જોડાશે.બંને દિવસે સવારે આંતરિક ચર્ચાસત્ર અને બપોરે સંવાદ સત્રો યોજાશે.