અમદાવાદમાં મકરબા મેઇન રોડ પર ભૂવો પડતા રિક્ષા ભૂવામાં ઘૂંસી ગઈ
- ભરઉનાળે રોડ પર મોટો ભૂવો પડ્યો
- ભૂવામાં રિક્ષા પડતા રિક્ષાચાલકને ઈજા
- મેઈનરોડ પર ભૂવો પડતા ટ્રાફિકજામ સર્જાયો
અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મેઊન રોડ પર ભર ઉનાળે મોટો ભૂવો પડતા ભૂવામાં રિક્ષા ખાબકી હતી. અને રિક્ષાચાલકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિકાસના બણગા ફુંકતી મ્યુનિ.કોર્પોરેશનનો વિકાસ કેટલો તકલાદી છે, એની પોલ ખૂલી ગઈ હતી. ભૂવો પડવાને લીધે મકરબા રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
અમદાવાદની ઓળખ ભૂવા સિટી તરીકે થઈ રહી છે. ત્યારે હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી ત્યારે શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરના મકરબા મેઈન રોડ સિક્સ લેન બનાવ્યા ને માંડ છ મહિના જેટલો સમય થયો છે ત્યાં આ જ મેઈન રોડ પર મસમોટો ભૂવો પડી ગયો છે. શહેરના મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આજે મસમોટો ભૂવો પડ્યો હતો. એક રિક્ષાચાલક રાબેતા મુજબ આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નાનકડો ખાડો હતો. રિક્ષાચાલકનું ધ્યાન ન રહ્યું અને સાવ ખોબા જેવડા ખાડા પરથી પસાર થયો ત્યાં અચાનક રસ્તો બેસી ગયો ને ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ ચાલક પણ લોહીલુહાણ થઈ ગયો હતો. રિક્ષા ભૂવામાં ગરકાવ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઘાયલ રિક્ષાચાલકને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને રિક્ષાચાલકના ચહેરા પર કાચ વાગ્યા હતા, એને કાઢી કોટનથી લોહી રોકવાની કોશિશ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને ટ્રાફિકજામ ન થાય એટલે રસ્તો ક્લિયર કરાવવા કાર્યવાહી કરી હતી.
શહેરના મકરબા મેઈન રોડને છ લેન બનાવાયો છે. અહીં જ ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. આ સિક્સ લેન રોડ પર સતત ટ્રાફિક રહે છે. જૂના અને નવા અમદાવાદને જોડતા આ રોડ પર સ્કૂલબસ, સ્કૂટર પર કોલેજે જતાં બાળકો, નોકરિયાતો, ધંધાર્થીઓ પસાર થાય છે. ઓફિસ ટાઈમમાં આ રસ્તે ટ્રાફિકજામ જેવી સમસ્યા થાય છે ત્યારે આજે રોડ પર મોટો ભૂવો પડ્યો હતો,