સુરતના સાડીઓના વેપારીઓનો નૂસ્ખો, સાડીઓને ટ્રેનોના નામ અપાયા
- સુરતી સિલ્ક સાડીઓને વંદે ભારત, તેજસ,શતાબ્દી સહિત ટ્રેનોના નામ અપાયા,
- લગ્ન સીઝન પહેલા વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા નામ અપાયા,
- સાડીઓને હલદી-ચંદન, આમ્રપાલી, પીહાર, સ્વિટ હાર્ટ, એશ્વર્યા, જેવા નામો પણ અપાયા
સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ્સ એ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. શહેરમાં વિવિધ પાવર લૂમ્સ દ્વારા કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં ટી-શર્ટથી લઈને સાડીઓ સુધીનો સમાવેશ થાય છે. સાડીઓ સહિત વસ્ત્રોની ખરીદી માટે માત્ર ગુજરાતના જ નહીં પણ પરપ્રાંતના વેપારીઓ પણ સુરત આવતા હોય છે. સમયની માગ અને ફેશન મુજબ વેપારીઓ કાપડના ઓર્ડર આપતા હોય છે. ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓને વિવિધ વેરાઈટીની સાડીઓને જાણીતી ટ્રેનોના નામ અપાયા છે. જેમાં વંદે ભારત, તેજસ, શતાબ્દી, વગેરે નામ અપાયા છે. એટલે બહારગામથી જે વેપારીઓ ઓર્ડર નોંધાવે છે, એમાં ટ્રેનોના નામ મુજબ ઓર્ડર આપે છે.
સુરતની સાડીઓ ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ વખણાય છે. સુરતની સાડીની પોતાની અલગ ઓળખ ઉભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિલ્ક સિટી તરીકે પણ જાણીતું બન્યુ છે. સુરતની સાડીઓ ખરીદવા દેશના તમામ રાજ્યોના વેપારીઓ આવે છે. સુરતી સાડીની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તેની પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. રાજધાની, શતાબ્દી, દુરન્તો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે
સુરતના રિંગરોડ તેમજ સારોલી સહિતના વિસ્તારમાં આશરે 216 જેટલી ટેક્સ્ટાઈલ માર્કેટ કાર્યરત છે. આ માર્કેટોમાં 1.24 લાખ કરતાં વધુ દુકાનોમાં 70 હજાર જેટલા વેપારી વેપાર કરે છે. વેપારીઓને આકર્ષવા અને પોતાની પ્રોડક્ટ બીજા કરતા અલગ બતાવવા સુરતના કાપડ વેપારી સતત પ્રયત્ન કરતા હોય છે. ત્યારે વેપારીઓ દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત હલદી-ચંદન, આમ્રપાલી, પીહાર, સ્વિટ હાર્ટ, એશ્વર્યા, જેવા અલગ અલગ નામોથી પણ સાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરન્તો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામો સાડીને આપી રહ્યા છે. આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઈન અને કલર્સ પણ એક કરતાં એક ચઢિયાતા છે. સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર જરી, ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે.