નવસારીમાં હડકાયા કૂતરાનો તરખાટ, 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા
- હડકાયા કૂતરા બે દિવસમાં 60 લોકોને કરડ્યા
- નવસારીના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા વિસ્તારમાં કૂતરાનો આતંક
- મ્યુનિના અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં અસંતોષ
નવસારીઃ શહેરના પાંચ હાટડી, વ્હોરાવાડ, ભેસતખાડા તેમજ ઝવેરી સડક પૂર્ણિમા માતા મદિર વિસ્તારમાં હડકાયા કૂતરાના ભાયથી લોકો ભય અનુભવી રહ્યા છે. ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં તો હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 લોકોને બચકા ભર્યા છે. આ ઉપરાંત શહેરના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં વધુ 10 લોકો કૂતરાઓના શિકાર બન્યા છે. હડકાયા કૂતરાના કરડવાના બનાવો વધી રહ્યા હોવા છતાંયે મ્યુનિ.ના અધિકારીઓ નિષ્ક્રિય રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નવસારી સિવિલ હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં કૂતરાઓ કરડવાના 70થી વધુ કેસ નોંધાયા છે. કૂતરાઓએ મોટાભાગે લોકોના હાથ-પગના ભાગે બચકા ભર્યા છે, જેના કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે ભેસતખાડા વિસ્તારના સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા બે દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના પાંચથી વધુ વિસ્તારોમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે તેમ છતાં પણ મ્યુનિ.ના સત્તાધિશો દ્વારા આ મામલે કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. મ્યુનિ.ના તંત્રને આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમનું પેટનું પાણી હલતું નથી. ભૂતકાળમાં નવસારી નગરપાલિકા હતી તે સમયે રસીકરણને લઈને યોજના બનાવવામાં આવી હતી પરંતુ તેનું યોગ્ય ટેન્ડરિંગ ન થતાં આ યોજના પણ પાણીમાં ગઈ હતી.
પાચ હાટડી વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં અનેક લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે. અમે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરતા તેઓ એકલદોકલ બનાવવામાં આવીને જતા રહ્યા છે, શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે. શ્વાન હડકાયો હોવાની અમને શંકા છે, જેથી આ વિસ્તારમાંથી તેને દૂર કરવામાં આવે તેવી રજુઆત કરી છે. પણ કોઈ પગલાં લેવાયા નથી.
આ અંગે નવસારી સિવિલ હોસ્પિટલના RMO વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં સિવિલમાં 25થી વધુ લોકોએ સ્વાન કરડવા મામલે સારવાર લીધી છે. સ્વાન કરડવાના કેસમાં વ્યક્તિ દ્વારા તાત્કાલિક જખમો પર પાણી લગાવી સાફ કરવું જોઈએ જેથી તેને હડકવાની બીમારી લાગે નહીં. અમારે ત્યાં શ્વાન કરડાવાને લઈને ઇન્જેક્શન મારી તાત્કાલિક સારવાર કરવામાં આવે છે. (file photo)