સુરતના માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનિઝ લસણના જથ્થાનો નાશ કરાયો
- સુરત APMCના સત્તાધિશોએ 2150 કિલો ચાઈનિઝ લસણનો નાશ કર્યો
- લસણના ભાવમાં વધારો થયા બાદ ભારતિય માર્કેટમાં ચાઈનિઝ લસણે પગપેસારો કર્યો
- ચાઈનિઝ લસણ લસણ સ્વાદમાં તીખું પણ નથી હોતું અને ટેસ્ટ પણ હોતો નથી.
સુરત: લસણના ભાવમાં અસામાન્ય વધારો થતાં સસ્તા ચાઈનિઝ લસણે પગપેસારો કર્યો છે. ચાઈનિઝ લસણનો કોઈ ટેસ્ટ હોતો નથી તેમજ સ્વાદમાં તીખું પણ હોતું નથી. ભારત સરકારે ચાઈના લસણ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે સુરત APMC માર્કેટ ખાતે ચાઈનીઝ લસણનો મોટો જથ્થો મળી આવતા વેપારીઓ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે, ત્યારે ચાઇનાથી ખાસ આ લસણ મંગાવવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય માટે હાનિકારક અને ખેડૂતોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી APMC માર્કેટના સત્તાધીશો દ્વારા 2150 કિલો લસણનો નાશ કરાયો હતો.
સુરત APMC માર્કેટ ખાતે ચાઈનીઝ લસણનો જથ્થો મળી આવ્યો હતો. જોકે, છેલ્લા સાત-આઠ મહિનાથી લસણનો ભાવ જે રીતે આસમાને પહોંચ્યો છે, તેનો લાભ લઈને ચાઇના દ્વારા મોટા પ્રમાણમાં લસણનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. જોકે, ચાઇનાથી આવતું લસણ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ લસણમાં જે પ્રકારની દવા અને ખાતરનો ઉપયોગ થાય છે, તેથી તે હાનિકારક છે. છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં લસણની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળવાને લઈને ગત વર્ષે ઉત્પાદન ઓછું થતાં હાલ લસણના ભાવમાં અસામાન્ય વધારો થયો છે. તેથી ચાઈના લસણ ભારતના બજારમાં આવી રહ્યું છે. જોકે, આ લસણની એન્ટ્રી થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. APMCના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા ત્યારે તેમને શંકાસ્પદ લસણ મળી આવ્યું હતું. જેની તપાસ કરતાં તે ચાઈનીઝ લસણ હોવાનું જાણવા મળ્યું હતું. આ લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાને લઈ APMCના સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી આ લસણનો નાશ કરવામાં આવ્યો હતો ચાઈનાનું લસણ દેખાવમાં સારું હોવાને લીધે લોકો છેતરાઈ જતા હોય છે. આ લસણ સ્વાદમાં તીખું પણ નથી હોતું અને ટેસ્ટ પણ હોતો નથી.