For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભચાઉમાં રાજ્યપાલના હસ્તે દિવ્યાંગજનોને સાધન-સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

04:07 PM Aug 11, 2025 IST | Vinayak Barot
ભચાઉમાં રાજ્યપાલના હસ્તે દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો
Advertisement
  • નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ,
  • દિવ્યાંગજનોને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ ટ્રાય-સાયકલવ્હીલચેરસ્માર્ટફોન અપાયા,
  • સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલની અપીલ

ભૂજઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ ખાતે  નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ  નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના પરોપકારના કાર્યોને સમાજ માટે ઉદાહરણરૂપ ગણાવીને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સારસંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બાબત બની ગઈ છે. દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોય સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલી આધુનિક સાધન સામગ્રી તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે. સમાજના દુઃખીજનો પ્રત્યે સેવાભાવના કેળવવા અનુરોધ કરીને રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જે મનુષ્યમાં જરૂરિયાતમંદ માટે દયાભાવ પ્રગટ ના થાય તે મનુષ્ય પથ્થર સમાન છે. મનુષ્ય અવતારમાં પરોપકાર અને સતકાર્યો કરીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા રાજ્યપાલએ આહવાન કરી ધરતી પર તમામ જીવો માટે કલ્યાણની ભાવના રાખવા જણાવ્યું હતું.

Advertisement

પ્રાચીન ભારતની વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલએ કહ્યું કે, સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વગરનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા નાગરિકોએ હંમેશા ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ રહેવું જોઈએ.  નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવા કાર્યોને રાજ્યપાલએ અંતરમનથી બિરદાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના આ પ્રયાસોથી તેમનામાં એક નવો ઉત્સાહ પેદા થશે, તેઓ માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ જ સક્ષમ થશે. દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. વડાપ્રધાને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે રૂ. 2581 કરોડની જોગવાઈ કરી છે. આજના સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવાતાં ઝેરી રસાયણોથી મનુષ્યોમાં જીવલેણ રોગોનું પ્રમાણ વધ્યું છે. યુરીયા-ડી.એ.પીનો ખેતીમાં ઉપયોગથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ જેવી બીમારીઓ યુવાનોમાં પ્રવેશી રહી છે. રાજ્યપાલશ્રીએ સમગ્ર માનવતજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

Advertisement

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ગુજરાત સરકારના પ્રયાસોની પ્રસંશા કરીને રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે ફાયદાકારક છે તેમ જણાવીને રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીને અપનાવવાથી ઉત્પાદન ઘટે છે તે વાતને ખોટી હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં નાના પાયેથી શરૂ કરીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં સહભાગી થવા, પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેવા રાજ્યપાલએ અપીલ કરી હતી.

રાજ્યપાલએ દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવાના સંકલ્પ‌ સાથે આગળ વધવાનું જણાવીને ઈલેક્ટ્રીક અને મેન્યુઅલ  ટ્રાઈ-સાયકલ, વ્હીલચેર, કૅલિપર, સ્માર્ટફોન સહિતના જીવન જરૂરિયાતના સાધનોનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ રજૂ કરેલી સ્વાગત ગીતની પ્રસ્તુતિને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિત દર્શકોએ મનમૂકીને બિરદાવી હતી.

નવજીવન વિકલાંગ સેવાશ્રય‌ સંસ્થાના સંસ્થાપક વિશાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સંસ્થાના કાર્યો વિશે જાણકારી આપી હતી. તેઓએ ઉમેર્યું હતું કે, 32 વર્ષ પહેલાં સ્થાપિત આ સંસ્થાનું બીજ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દિવ્યાંગજનના કલ્યાણ માટેનું વટવૃક્ષ બન્યું છે. દિવ્યાંગજનોના સક્ષમ બનાવવા માટે સંસ્થા અવિરત સેવાકાર્યો કરતી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement