કેવડિયામાં 5.5 એકરમાં રૂપિયા 367 કરોડના ખર્ચે રજવાડાનું મ્યુઝિયમ બનાવાશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે રજવાડાના મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરશે,
- કેવડિયા એકતાનગરમાં વડાપ્રધાન મોદી 282 કરોડના કામોનું લોકાર્પણ કરશે,
- મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે
અમદાવાદઃ નર્મદા જિલ્લામાં આવેલા અને જાણીતા પ્રવાસન તરીકે વિકસેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-એકતાનગરમાં રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારનો પણ પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રજવાડાનું મ્યૂઝિયમ બનાવવાની રાજપૂત સમાજની લાંબા સમયથી ચાલી આવતી માંગનો 30-31 ઓક્ટોબરે અંત આવશે. એકતા દિવસની ઊજવણી માટે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યાં છે ત્યારે તેઓ કેવડિયામાં 3 મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત કરશે જેમાં એક મ્યૂઝિયમ રજવાડાનું હશે.
કેવડિયામાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવાયું છે. અને આ સ્થળનો પર્યટક સ્થળ તરીકે સારોએવો વિકાસ થયો છે. ત્યારે રાજપૂત સમાજે કેવડિયામાં રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવાની માંગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 વર્ષ પહેલાં કેવડિયામાં જ એવી જાહેરાત કરી હતી કે અહીં રજવાડાનું મ્યૂઝિયમ બનશે. જો કે એ પછી કોઇ કાર્યવાહી થઇ નહોતી. હવે વડાપ્રધાન મોદી આગામી તા. 30મી ઓક્ટોબરે કેવડિયા આવી રહ્યાં છે. પોતાની આ મુલાકાતમાં તેઓ કુલ 681 કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરશે જ્યારે 282 કરોડના કામોનું લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ 3 મ્યૂઝિયમનું પણ ખાતમુહૂર્ત કરશે. આ ત્રણ મ્યુઝિયમ એટલે ગુજરાત વંદના મ્યૂઝિયમ, વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમ અને મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગ્ડમ ઓફ ઇન્ડિયા (જેને મોરકી મ્યૂઝિયમ તરીકે ઓળખવામાં આવશે.) રજવાડાનું મ્યૂઝિયમ 5.5 એકરમાં બનશે આ મોરકી મ્યૂઝિયમ એટલે કે રજવાડાનું મ્યૂઝિયમ કેવડિયાના લીંબડી નામના ગામમાં આવેલી 5.5 એકર જમીન પર બનશે. જ્યાંથી સરદાર પટેલનું સ્ટેચ્યૂ સ્પષ્ટપણે જોઇ શકાશે. આ મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે. રજવાડાઓના એકીકરણની વાત અને તેમાં સરદાર પટેલની ભૂમિકા અંગે પ્રદર્શન હશે.`હોલ ઓફ યુનિટી' દ્વારા અગાઉના રજવાડાઓનું યોગદાન પણ બતાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ 5 ગેલેરી હશે. આ 5 ગેલેરીમાંથી 4 ગેલેરી કાયમી હશે. જ્યારે એક ગેલેરી ટેમ્પરરી હશે. આ ગેલેરીનો વિસ્તાર 3077 ચોરસ મીટર હશે. જો ગેલેરી પ્રમાણે સમજીએ તો પહેલી ગેલેરીમાં રજવાડા વિશેની માહિતી અને વર્ગીકરણ હશે. બીજી ગેલેરીમાં રાજાઓનું જીવન અને તેમના રીત રિવાજો અને રાજ્ય સંરક્ષણ હશે. ત્રીજી ગેલેરીમાં ભારતના એકીકરણનો ઇતિહાસ, બ્રિટિશરોનું સામ્રાજ્ય, સરદાર વલ્લભભાઇ પટેલનું યોગદાન હશે. જ્યારે ચોથી ગેલેરીમાં રજવાડાના બલિદાનની કહાનીઓ, મ્યૂઝિયમમાં યોગદાન આપનારા લોકોનો ઉલ્લેખ હશે. પાંચમી ગેલેરી રિસેપ્શન અને લોબી સાથે કનેક્ટેડ હશે. તેને ચિલ્ડ્રન ગેલેરી નામ અપાશે. પાંચમી ગેલેરી પાસે મ્યૂઝિયમ શોપ અને મ્યૂઝિયમ કેફે પણ હશે.
સૂત્રોના કહેવા મુજબ મ્યૂઝિયમમાં વર્ષ 1700 થી લઇને 1950 સુધીના રાજવી પરિવારોના અને રજવાડાઓના એકત્રીકરણના ઇતિહાસને વર્ણવવામાં આવશે સાથે જ સરદાર પટેલે રજવાડાઓને એક કરવામાં ભજવેલી ભૂમિકા પણ હશે.એકીકરણ વખતે રજવાડાઓએ સરકારને જે-જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા તે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલ સ્વરૂપે પ્રેઝન્ટેશન પણ હશે. રજવાડાઓના ઇતિહાસ અને મહાનતાને દર્શાવતું આ મ્યૂઝિયમ કુલ 367 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર, 2027 પહેલાં પૂરો કરવામાં આવશે.